વડોદરા: શહેરના નાગરિકો, ખાસ કરીને બાળકો અને વડીલોને રમત-ગમત તથા આરોગ્યવર્ધક સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી ઊભા કરાયેલા સ્પોર્ટ્સ સંકુલો આજે જાળવણીના અભાવે દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા છે. સરકારી સૂચના બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં શહેરના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેના વિસ્તારોમાં રમત-ગમતના સંકુલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બ્રિજ નીચેની ખાલી જગ્યાનો સદુપયોગ કરીને તૈયાર કરાયેલા આ સંકુલો શરૂઆતમાં સ્થાનિક રહીશો માટે આશાનું કિરણ બન્યા હતા, પરંતુ નિર્માણ બાદ તંત્રની બેદરકારી સામે આવી છે.
સંકુલો તૈયાર કર્યા બાદ તેની નિયમિત જાળવણી, સફાઈ અને સુચારુ સંચાલન માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું સ્પષ્ટ જણાય છે. પરિણામે જે સ્થળોએ બાળકો અને વડીલોની ચહલપહલ રહેવી જોઈતી હતી, ત્યાં આજે વેરાન માહોલ જોવા મળી રહ્યો છે. સુવિધાઓના અભાવે અને અવ્યવસ્થાને કારણે સ્થાનિક લોકો આ સંકુલોનો ઉપયોગ કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે, જેના લીધે કરોડોના ખર્ચે કે પ્રજાના પરસેવાની કમાણીના નાણાંથી ઊભી કરાયેલી આ સુવિધાઓ નિરર્થક સાબિત થઈ રહી છે.
શહેરીજનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે માત્ર પ્રોજેક્ટ શરૂ કરી દેવાથી કે બાંધકામ પૂરું કરવાથી પ્રજાની સુવિધા જળવાતી નથી, તેના માટે લાંબા ગાળાનું આયોજન અને નિયમિત દેખરેખ અત્યંત જરૂરી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેના આ સ્પોર્ટ્સ સંકુલોની સફાઈ, મરામત અને સંચાલનની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે, તો જાહેર નાણાંનો વ્યય થતો રહેશે અને સ્થાનિક રહીશોને મળનારો લાભ અધૂરો રહી જશે. લોકો હવે મહાનગરપાલિકા તંત્ર પાસે આ સંકુલોને ફરીથી કાર્યરત અને સુવિધાયુક્ત બનાવવાની અપેક્ષા રાખી રહ્યા છે.