વડોદરા: શહેરના તુલસીવાડી વિસ્તારમાં પરંપરાગત તુલસી વિવાહ મહોત્સવને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આજે ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો નીકળનાર છે. કાર્તિકી પૂનમના પાવન અવસરે યોજાનારા આ ધાર્મિક ઉત્સવમાં ભગવાનના વરઘોડાને આવકારવા માટે તુલસીવાડીમાં રંગરોગાન અને સાફ-સફાઈ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, તેમજ ઠાકોરજીના સેવાક્રમ સંબંધિત વ્યવસ્થાઓ પણ સજ્જ કરી દેવાઈ છે.
આયોજન મુજબ, આજે સાંજે પાંચ વાગ્યે નરસિંહજીની પોળ સ્થિત મંદિરથી ભગવાન નરસિંહજીનો ભવ્યથી ભવ્ય વરઘોડો પ્રસ્થાન કરશે. આ વરઘોડો શહેરના માંડવી અને ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈને મોડી રાત્રે તુલસીવાડી ખાતે પહોંચશે. ત્યાં ભગવાન શ્રી નરસિંહજી અને માતા તુલસીજીના શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થશે, ત્યારબાદ વરઘોડો પરત ફરીને વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ મંદિરે પહોંચશે.
દર વર્ષની પરંપરા અનુસાર યોજાતા આ લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે અને ભગવાનના વિવાહનો લાવો લઈ ધન્યતા અનુભવે છે. વિવાહ પ્રસંગ પૂર્વે જ મહિલા ભક્તોએ તુલસીવાડીમાં પહોંચી તુલસી માતાના દર્શન કરી કન્યાદાન અર્પણ કર્યું હતું અને રાત્રિના સમયે પહોંચી ન શકાય તો અગાઉથી કન્યાદાન આપીને ફરીથી ભગવાન તથા તુલસી માતાના લગ્નના દર્શન કરવાની ભાવના વ્યક્ત કરી સૌના આશીર્વાદની કામના કરી હતી. ઉત્સવ દરમિયાન મોડી રાત સુધી તુલસીવાડી વિસ્તારમાં ભાવિકોની ભારે ચહેલપહેલ જોવા મળશે.
1500થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
વડોદરાની વર્ષો જૂની ધાર્મિક પરંપરા સમાન ભગવાન શ્રી નરસિંહજીના તુલસી વિવાહનો ભવ્ય વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા. 24 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી વરઘોડાનું પ્રસ્થાન થશે. વરઘોડામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાવાના હોવાથી પોલીસ દ્વારા 1500થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડ, TRB અને SAFના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો નરસિંહજીની પોળથી નીકળી એમ.જી. રોડ, માંડવી થઈ વિઠ્ઠલજી મંદિર પહોંચશે. ત્યાં પૂજાવિધિ બાદ ભગવાનની પાલખીને આઇસર ફ્લોટમાં મૂકીને ચાંપાનેર દરવાજા, અડાણીયા પુલ, ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા નાકા અને મંગલેશ્વર ઝાંપા પાસેથી તુલસીવાડી સ્થિત તુલસી મંદિર લઈ જવામાં આવશે. જ્યાં ભગવાન શ્રી નરસિંહજી અને તુલસીજીના લગ્નની વિધિ આશરે ત્રણ કલાક સુધી ચાલશે.લગ્નવિધિ પૂર્ણ થયા બાદ તા. 25 નવેમ્બરના રોજ રાત્રે 2:30 વાગ્યે પાલખી પરત આવવા રવાના થશે અને સવારે 7 વાગ્યે નરસિંહજીની પોળ સ્થિત મંદિરે પહોંચશે. વરઘોડામાં ત્રણ ભજન મંડળીઓ, બે બેન્ડવાજા અને એક પાલખી સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. આ ઉપરાંત તા. 23 નવેમ્બરે રાત્રે 10 વાગ્યે મહેતા પોળના નાકે ભજન મંડળીઓ એકત્ર થઈ વાજતે-ગાજતે ભગવાનનાં દર્શન કરવા આવશે અને બેન્ડથી સલામી આપશે. તા. 26 નવેમ્બરે પણ પરંપરા મુજબ અંતિમ સલામી આપવામાં આવશે.વરઘોડાની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તા. 20 નવેમ્બરે સીટી પોલીસ સ્ટેશન ખાતે આયોજકો અને વિવિધ સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જરૂરી માર્ગદર્શન અને સંકલન કરવામાં આવ્યું હતું. બીજી તરફ DCB, PCB અને SOGની અલગ-અલગ ટીમો અસામાજિક તત્ત્વો પર વોચ રાખશે અને ચેકિંગ-સર્વેલન્સ કરશે. સાયબર ક્રાઇમની ટીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સતત નજર રાખશે.