સાપુતારા : ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરેશભાઈ ચૌધરીની આગેવાનીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસ સાથે જોડાયેલા ૧૫૦થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.આ પક્ષપલટામાં આહવા તાલુકાના ગડદ ગ્રામ પંચાયતના સરપંચ સહિત અન્ય આગેવાનો અને પાંચ સભ્યો તેમજ ગાડવીહિર ગ્રુપ ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, ડાંગ જિલ્લાના કૉંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીતના માદરે વતન ગણાતા સિલોટમાળ ગામના અંદાજે ૭૦ જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ પંજાનો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. આ સભ્યપદ ગ્રહણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.