નવસારી મહાનગરપાલિકાએ ટ્રાફિકમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હેઠળ દુધિયા તળાવ વિસ્તારમાં ફરી કાર્યવાહી કરી છે. વલ્લભ એસ્ટેટ સામે માર્જિનની જગ્યામાં કરાયેલા દબાણો બુલડોઝરથી તોડી પડાયા છે. આ વિસ્તારમાં પાલિકાએ ચોથી વખત આવી કાર્યવાહી કરી છે. સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે, અહિં રોડ ક્યારે બનશે? તેને લઈ મનપાએ જણાવ્યું કે, આગામી 15 દિવસમાં અહિં રોડ બનાવવાની કામગીરી શરૂ થશે.
ત્રણ વખત જગ્યા ખાલી કરાવ્યા પછી પણ નવો રોડ નથી બનાવાયો
વલ્લભ એસ્ટેટ સામેની દુકાનોના માલિકોએ માર્જિનની જગ્યામાં શેડ અને ઓટલા બનાવ્યા હતા. પાલિકાના દબાણ વિભાગે તેમને દબાણો જાતે હટાવવા મૌખિક અને લેખિત સૂચનાઓ આપી હતી. દબાણો ન હટાવાતા પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી અને જગ્યા ખુલ્લી કરાવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉ ત્રણ વખત જગ્યા ખાલી કરાવ્યા પછી પણ ત્યાં નવો રોડ બનાવાયો નથી કે રસ્તો પહોળો કરાયો નથી. થોડા સમયમાં જગ્યા પર ફરી દબાણો થઈ જાય છે અને પાલિકાએ ફરી કાર્યવાહી કરવી પડે છે.