નવસારી : નવસારીના ખારેલ ઓવર બ્રિજ પાસેથી ઝડપાયેલા ₹3.48 કરોડની કિંમતના હાઇબ્રીડ ગાંજાના હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. ગણદેવી પોલીસે ઝડપાયેલા 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 30 નવેમ્બર સુધીના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના તાર થાઈલેન્ડ સુધી જોડાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
નવસારી પોલીસ અધિક્ષક (SP) દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સમગ્ર ઓપરેશનની વિગતો જાહેર કરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખારેલ ઓવર બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક થાર અને એક ક્રેટા કારને અટકાવી તલાશી લેવાઈ હતી. બંને લક્ઝુરિયસ કારમાંથી 9.375 કિલોગ્રામ અત્યંત મોંઘો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹3.48 કરોડ અંદાજવામાં આવી છે. પોલીસે ગાંજો, બંને કાર અને અન્ય સામગ્રી મળી કુલ ₹3.56 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ થાઈલેન્ડના બેંગકોક ખાતે રહેતા ‘રોની’ નામના શખ્સ મારફત આ હાઇબ્રીડ ગાંજો ભારતમાં મંગાવતા હતા અને ત્યારબાદ અલગ-અલગ શહેરોમાં નેટવર્ક ચલાવી તેનું વેચાણ કરતા હતા. આ ગુનામાં પોલીસે પ્રમોદ પાઠક, વિષ્ણુ સિંહ, પ્રેમચંદ યાદવ અને મીકેત પટેલની ધરપકડ કરી છે.