નવસારી: નવસારીના રમતવીરો માટે વર્ષોથી ઓળખ ધરાવતા લુન્સીકુઈ મેદાનની હાલની સ્થિતિને લઈને રમતગમત સાથે સંકળાયેલા સંગઠનોએ મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું છે. મેદાનના નવીનીકરણનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું હોવા છતાં રમતવીરો માટે મેદાનના દરવાજા ક્યારે ખુલશે તે સ્પષ્ટ ન થતાં ખેલાડીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વિવિધ રમતગમત મંડળોના પ્રતિનિધિઓએ મેયરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. રમતગમત સંગઠનોના જણાવ્યા અનુસાર, મેદાન બંધ રહેવાના કારણે દિવાળીની રજાઓમાં બાળકો અને યુવાનોને રમવાની તક મળી નહોતી. હવે શિયાળાની ઋતુમાં સવારના સમયે ચાલવા, દોડવા અને કસરત કરવા આવતા નાગરિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને પોલીસ, સૈન્ય અને અન્ય સરકારી ભરતી માટે શારીરિક તૈયારી કરતા યુવાનો માટે આ મેદાન અત્યંત ઉપયોગી હોવાથી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે.

દાનમાં મળેલી જમીનનો મૂળ હેતુ જળવાય તે જરૂરી
રજૂઆતનો સૌથી મહત્ત્વનો મુદ્દો મેદાનના ઉપયોગને લઈને છે. પારસી દાતા દ્વારા રમતગમતના વિકાસના હેતુથી આપવામાં આવેલી આ જમીનનો ઉપયોગ માત્ર રમતગમત પ્રવૃત્તિઓ માટે જ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. મેદાનમાં સામાજિક, રાજકીય કે અન્ય જાહેર કાર્યક્રમો યોજવાની પરવાનગી ન આપવામાં આવે અને આ અંગે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સ્પષ્ટ ઠરાવ પસાર કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
પેવેલિયનની સુવિધાઓ સુધારવા પણ દબાણ
લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. બેડમિન્ટન કોર્ટનું ફ્લોરિંગ સુધારવા, એક્ઝોસ્ટ ફેન લગાવવા, ટેબલ ટેનિસ માટે ટેબલ મૂકવા તેમજ યોગા, કરાટે અને તાઈકવોન્ડો જેવી પ્રવૃત્તિઓ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા જણાવાયું છે. સાથે જ બેઝમેન્ટમાં રાખવામાં આવેલી જપ્ત લારીઓ અને બેનરો દૂર કરીને જગ્યાને સ્વચ્છ બનાવવાની માગણી પણ કરવામાં આવી છે. આ મામલે લુન્સીકુઈ મેદાન અને પેવેલિયન બચાવ સમિતિ, ઉત્કર્ષ મંડળ તથા લુન્સીકુઈ ક્રિકેટ ક્લબના પ્રતિનિધિઓએ એકસાથે અવાજ ઉઠાવ્યો છે. ડૉ. રૂસ્તમ સદરી, ડૉ. મયુર પટેલ, કેરસી દેબુ અને હરેશભાઈ વશી સહિતના અગ્રણીઓએ મેયરને આવેદન આપ્યું હતું. આ રજૂઆતની જાણકારી અને નકલ જિલ્લા કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનરને પણ મોકલવામાં આવી છે.