વાંસદા: વાંસદાના કેળકચ્છ ગામના ઉપલા ફળિયામાં 12 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ઉપલા ફળિયામાં રાહેતા હસમુખભાઈ પટેલની 12 વર્ષીય પુત્રી નિધિ સાંજના આશરે 7 વાગ્યાના સુમારે ઘર નજીક આવેલી પેઝારી પાસે નાહવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક દીપડો પેઝારીમાં ઘૂસી આવ્યો હતો અને બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીની બૂમાબૂમ સાંભળતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, દીપડાના હુમલામાં બાળકીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવ બાદ પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતાં વનવિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.