નવસારી: દિવસભર રિક્ષા દોડાવ્યા બાદ પણ બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની રહ્યા છે. એક તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારી અને બીજી તરફ CNGના સતત વધતા ભાવ... આ બેવડા આર્થિક બોજા વચ્ચે રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે.
છેલ્લા છ મહિનામાં CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.12નો વધારો થતાં નવસારી સહિત ગુજરાતભરના રિક્ષાચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગેસના ભાવવધારા સામે હવે રિક્ષાચાલકોએ સંગઠિત અવાજ ઉઠાવ્યો છે. નવસારી ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટેની આગેવાની હેઠળ રિક્ષાચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી ગેસ કંપનીઓની ભાવનીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. IRM, અદાણી, સાબરમતી અને ગુજરાત ગેસ જેવી કંપનીઓના ભાવવધારાને કારણે રિક્ષા વ્યવસાયનું ગણિત ખોરવાઈ ગયું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
ચાલકોનું કહેવું છે કે CNGના ભાવમાં વધારો થાય છે, પરંતુ મુસાફરી ભાડામાં એટલો વધારો થતો નથી. પરિણામે દિવસભરની કમાણીમાંથી ગેસનો ખર્ચ, વાહનનું મેન્ટેનન્સ અને અન્ય ખર્ચ કાઢ્યા બાદ હાથમાં પૂરતી આવક રહેતી નથી. પરિવારનું ભરણપોષણ અને બાળકોના ભવિષ્યની જવાબદારીઓ નિભાવવી પણ મુશ્કેલ બની રહી છે.
રજૂઆત નહીં, હવે આરપારની લડાઈના સંકેત!
રિક્ષાચાલકોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ‘સ્ટિયરિંગ છોડો’ આંદોલન શરૂ કરવામાં આવશે. જરૂર પડ્યે રસ્તા પર ઉતરી ચક્કાજામ પણ કરવામાં આવશે. આંદોલન વકરે તો નવસારીના જાહેર પરિવહન વ્યવહારને અસર થવાની સાથે રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
CNGના ભાવ પર સરકારી નિયંત્રણની માંગ
એસોસિએશને સરકાર સમક્ષ CNGના ભાવ નિયંત્રણ માટે મિનિમમ પ્રાઇસ પોલિસી અમલમાં મૂકવા, ગેસ પર વસૂલવામાં આવતા વેટ અને અન્ય કરવેરામાં રાહત આપવા તથા રિક્ષાચાલકોને સીધી સરકારી સબસિડી આપવાની માંગણી કરી છે. આવેદનપત્ર મારફતે કાર્યકારી પ્રમુખ રાકેશ પટેલે રિક્ષાચાલકોની આર્થિક મુશ્કેલીઓ તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું. હવે સરકાર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને રિક્ષાચાલકોને ભાવવધારામાંથી રાહત આપવા શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.