ઈઝરાયલના વર્ક વિઝા કઢાવી આપવાના બહાને અમદાવાદની મહિલા સાથે ભરૂચના મેકવાન દંપતી અને પુત્રએ રૂ.૬,૧૫,૦૦૦ની છેતરપિંડી આચરી હતી. આ બનાવમાં મહિલાએ ભરૂચ શહેર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
અમદાવાદ ગ્રામ્યના બાકરોલ-બાદરાબાદ ગામના રહેવાસી જ્યોત્સ્નાબેન નલીનભાઈ ક્રિશ્ચિયને ભરૂચની નારાયણનગર-૩ સોસાયટીમાં રહેતા આશિષકુમાર રાજેશકુમાર મેકવાન, તેમના પિતા રાજેશકુમાર મેથ્યુસ મેકવાન અને માતા સ્ટેલાબેન રાજેશકુમાર મેકવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો મુજબ દોઢ વર્ષ પહેલાં અમદાવાદના મણીનગર ખાતે યોજાયેલા એક સામાજિક સંમેલનમાં જ્યોત્સ્નાબેનનો સંપર્ક ભરૂચના આશિષકુમાર મેકવાન સાથે થયો હતો. આરોપીએ જ્યોત્સ્નાબેનની ૨૪ વર્ષીય નર્સિંગનો અભ્યાસ કરતી દીકરી પ્રિન્સીને ઇઝરાયલમાં નોકરી અપાવવા અને વર્ક વિઝા માટે કુલ રૂ.૨૫ લાખનો ખર્ચ થશે તેવી વાત કરી વિશ્વાસમાં લીધાં હતાં. ત્યારબાદ ફેબ્રુઆરી અને એપ્રિલ-૨૦૨૬ દરમિયાન જ્યોત્સ્નાબેન પાસેથી ટુકડે-ટુકડે બે ચેક મારફતે રૂ.૫,૦૦,૦૦૦ મેળવી લેવામાં આવ્યા હતા અને ભરૂચ કોર્ટ સામે નોટરી કરાર પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નડિયાદનાં રહેવાસી ભાવનાબેન મકવાણા પાસેથી પણ ઇઝરાયલના વિઝાના નામે રૂ.૧,૧૫,૦૦૦ રોકડા મેળવવામાં આવ્યા હતા. લાંબો સમય વીતવા છતાં વિઝાની પ્રક્રિયા પૂર્ણ ન થતાં અને આરોપીઓ દ્વારા વધુ નાણાંની માંગણી ચાલુ રહેતાં જ્યોત્સ્નાબેનને શંકા ગઈ હતી. દરમિયાન, મે-૨૦૨૬માં આશિષના પિતા રાજેશ મેકવાને અખબારમાં જાહેર નોટિસ આપી પુત્ર કહ્યામાં ન હોવાનું, પરિવાર સાથે સંબંધોનો અંત આણ્યો હોવાનું તથા તે હાલ ક્યાં અને કામધંધો શું કરે છે એમ જાહેર કર્યું હતું. આશિષનો મોબાઈલ ફોન બંધ થઈ જતાં અને પરિવારજનોએ સંતોષકારક જવાબ ન આપતાં પૂર્વ આયોજિત કાવતરા હેઠળ રૂ.૬.૧૫ લાખની ઠગાઈ થઈ હોવાનું જણાતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.