આજે સુરત બારની ચુંટણી માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થતાં વકીલોને ‘સર‘ યાદ આવી ગયું હતું. બારના ચુંટણી અધિકારી દ્વારા આજે જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદી માં થોકબંધ નામ ઉડી જતાં કાયમ મતદાન કરતાં વકીલોમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. સુરત જિલ્લા વકીલ મંડળનાં ૬ પદાધિકારી અને ૧૧ કારોબારી સભ્યની ચુંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે પ્રસિઘ્ધ થયેલી વકીલ મંડળનાં સભ્યોની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી પરંતું મોટી સંખ્યામાં વકીલો નાં નામ નહીં આવતાં કોર્ટ કેમ્પસમાં વકીલ આલમમાં આ મુદ્દે વ્યાપક ચર્ચા છેડાઈ હતી. અને જે વકીલ સભ્યોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કમી થતા વકીલો દોડતાં થયાં હતાં. ત્યારબાદ ૧ કલાક પછી નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. આ અંગે વકીલ મંડળનાં ચુંટણી કમિશનર કમલનયન અસારાવાલા નાં જણાવ્યાં મુજબ કોમ્પ્યુટર સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે ધણાં સભ્યોના નામો ઉડી ગયાં હતાં આ બાબત ધ્યાનમાં આવતાં તુરંત જ ટેકનિશયન ને બોલાવીને ડ્રાફ્ટ યાદી સુધારીને જાહેર કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ગત્ ચુંટણી વખતે ૬૪૩૩ મતદાર નોંધાયાં હતા. જેમાંથી ૪૨૨૪ સભ્યો એ મતદાન કર્યું હતું. આ વખતે ૭૪૦૦ સભ્યો ની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મતદાર યાદી આગામી તા. ૩૦મીએ જાહેર થશે. આ વખતે ૯૬૭ જેટલાં નવા વકીલ મતદારો નોંધાયા છે.