સુરતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને હવે ઘન કચરા વ્યવસ્થાપનના સ્વયંસેવકો (SWM Volunteers) તરીકે તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ શાળામાં ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ શીખશે અને આ જાગૃતિ પોતાના ઘર, પરિવાર તથા આસપાસના વિસ્તારમાં પણ ફેલાવશે.
ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 અંતર્ગત શિક્ષણ મંત્રાલય અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાના અભ્યાસક્રમમાં ઘન કચરા વ્યવસ્થાપનનો યોગ્ય સમાવેશ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર કચેરીના 20 નવેમ્બરના મેઇલ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને પરિપત્ર પાઠવી અમલીકરણ કરવા સૂચના આપી છે. પરિપત્ર મુજબ શાળાના તમામ વિદ્યાર્થીઓને ભીના અને સૂકા કચરાને અલગ તારવવાની પદ્ધતિ સમજાવવાની રહેશે. શાળાના પરિસરમાં પણ કચરાનું યોગ્ય વર્ગીકરણ, સંગ્રહ અને નિકાલ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને SWM Volunteers તરીકે પ્રોત્સાહિત કરી શાળા બહારના વિસ્તારોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવશે.
નિબંધ, ચિત્ર સ્પર્ધા, રેલી સહિતની પ્રવૃત્તિઓ યોજવા આદેશ
આ માટે શાળાઓમાં પ્રાર્થનાસભા દરમિયાન સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવા ઉપરાંત નિબંધ, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, રેલી સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજવાની રહેશે. પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ઘટાડવો, કચરાનો પુનઃઉપયોગ કરવો અને રિસાયક્લિંગનું મહત્ત્વ સમજાવવું પણ આ અભિયાનનો હિસ્સો રહેશે.
શાળામાં ભણશે કચરાનું વિજ્ઞાન, સમાજને શીખવશે સ્વચ્છતાનું ભાન
શાળાઓએ હાથ ધરેલી કામગીરીનો રેકોર્ડ અને પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ સાચવી રાખવાના રહેશે. અગાઉની સૂચનાઓનું પણ તાત્કાલિક પાલન કરવા આદેશ કરાયો છે. વિદ્યાર્થીઓમાં કચરાને કચરો નહીં, પરંતુ યોગ્ય રીતે અલગ કરવામાં આવે તો ઉપયોગી સંસાધન તરીકે જોવાની સમજ વિકસે અને સ્વચ્છતાની ટેવ પરિવારથી સમાજ સુધી પહોંચે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.