ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે 23 નવેમ્બરે તબીબી કારણોસર મોટી રાહત આપી છે. ગંભીર હૃદયરોગથી પીડાતા ઈરફાનની સજા સ્થગિત કરીને કોર્ટે તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે તેની તબીબી સ્થિતિ અને જેલમાં વિતાવેલા લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.
સુનાવણી દરમિયાન ઈરફાનના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તે ગંભીર હૃદયરોગથી પીડાઈ રહ્યો છે અને છેલ્લા 17થી 18 વર્ષથી જેલમાં બંધ છે. બીજી તરફ, ગુજરાત સરકાર તરફથી હાજર વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલે પણ દોષિતની તબીબી સ્થિતિ અંગેની હકીકતો સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોર્ટ તબીબી કારણોસર તેને રાહત આપવા માગતી હોય તો રાજ્ય સરકારને કોઈ વાંધો નથી. જોકે, તેમણે આ રાહત માત્ર તબીબી કારણો પૂરતી મર્યાદિત રાખવાની વિનંતી કરી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે અરજી મુખ્યત્વે તબીબી કારણોસર કરવામાં આવી છે અને રાજ્ય સરકારે પણ દોષિતની બીમારી સંબંધિત વિગતોને સ્વીકારી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની સજા સ્થગિત કરી જામીન મંજૂર કર્યા હતા. અગાઉ વર્ષ 2025માં પણ ઈરફાનને વહેલી મુક્તિ અંગેની અરજી પર રાજ્ય સરકાર વિચારણા કરે તે હેતુથી વચગાળાના પેરોલ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગવાની ઘટનામાં 58 કાર સેવકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ ગુજરાતમાં વ્યાપક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ કેસમાં માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 11ને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 63 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. આ ચુકાદા સામેની અપીલો વર્ષ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ દરમિયાન મે અને ડિસેમ્બર 2022 તેમજ એપ્રિલ 2023માં પણ આ કેસના અન્ય કેટલાક દોષિતોને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.