કોકરોચ જનતા પાર્ટીએ હવે રાજકીય આંદોલનોની સાથે વાંચન, ચર્ચા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ નવું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. પાર્ટી દ્વારા રવિવારે ‘કોકરોચ ક્લબ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે, ક્લબના લોન્ચિંગ સમયે પાર્ટીના સ્થાપક અભિજીત દીપક જોવા ન મળતાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. પાર્ટીના નેતા સૌરવ દાસે એક વીડિયો જાહેર કરીને ક્લબ શરૂ કરવા પાછળનો હેતુ સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગાંધી, નેહરુ અને આંબેડકરને વાંચવામાં આવશે તો જીત નિશ્ચિત છે. કોકરોચ ક્લબમાં પણ આ જ વિચાર સાથે પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ તો માત્ર શરૂઆત છે અને આગામી સમયમાં અનેક લોકો આ ક્લબ સાથે જોડાશે.
અત્યાર સુધી કોકરોચ જનતા પાર્ટી વિવિધ મુદ્દાઓને લઈને રસ્તા પર આંદોલન કરતી જોવા મળી હતી. હવે ક્લબના માધ્યમથી લોકોને એક જગ્યાએ ભેગા કરીને વિચારવિમર્શ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે તક આપવામાં આવશે. અહીં ગાંધી, નેહરુ અને આંબેડકરનાં પુસ્તકોનું વાંચન, ચર્ચા, કોમેડી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મ સ્ક્રીનિંગ, અભ્યાસ સેશન અને યુવાનોને પોતાના વિચારો વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવશે.
આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ક્લબના લોન્ચિંગની તસવીરો શેર કરી હતી. તસવીરોમાં કલાકારો પર્ફોર્મ કરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલીક તસવીરોમાં મોટી સંખ્યામાં દર્શકોની હાજરી પણ જોવા મળી હતી. રાંકાએ પોસ્ટમાં જણાવ્યું હતું કે કોકરોચ ક્લબ શરૂ થઈ ગયું છે અને તેનો સંપૂર્ણ એપિસોડ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. જોકે, લોન્ચિંગ દરમિયાન પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા જ મુખ્યત્વે જોવા મળ્યા હતા, જ્યારે સ્થાપક અભિજીત દીપક હાજર નહોતા. આથી તેમની ગેરહાજરીને લઈને સવાલો ઊભા થયા છે કે શું તેમણે કોકરોચ ક્લબના કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું? જોકે, અભિજીત દીપક કે કોકરોચ જનતા પાર્ટી તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી તેમની ગેરહાજરી પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી.