મતદાનના દિવસે મત આપવા પહોંચો અને મતદારયાદીમાં નામ જ ન મળે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિ ટાળવા અમદાવાદના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારયાદીમાં નામ ઉમેરવાનું બાકી હોય, નામ-અટક કે સરનામામાં ભૂલ હોય અથવા અન્ય વિગતોમાં સુધારો કરાવવો હોય તો હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. મતદારો આગામી ત્રણ રવિવારે પોતાના વિસ્તારના મતદાન મથક પર જઈને બૂથ લેવલ ઓફિસર (BLO)ને રૂબરૂ મળી શકશે.
ગુજરાતમાં SIRની કામગીરી પૂર્ણ થયા બાદ મતદારયાદીની સુધારણા માટે 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પ દરમિયાન સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી BLO અને નિયુક્ત અધિકારીઓ મતદારો પાસેથી વિવિધ પ્રકારની અરજીઓ સ્વીકારશે. આ વ્યવસ્થાથી મતદારોને પોતાના વિસ્તારના મતદાન મથક પર જ જરૂરી સુધારા માટે અરજી કરવાની સુવિધા મળશે.
આ ઝુંબેશનો ખાસ લાભ પ્રથમ વખત મતદાર બનનારા યુવાઓને મળશે. 18થી 19 વર્ષની વયના જે યુવાનોએ હજુ સુધી મતદાર તરીકે નામ નોંધાવ્યું નથી તેઓ કેમ્પમાં ફોર્મ-6 ભરીને મતદારયાદીમાં નામ ઉમેરવા માટે અરજી કરી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ, સરનામું કે અન્ય વિગતોમાં ભૂલ હોય તો તેમાં સુધારો કરાવવા માટે ફોર્મ-8 ભરી શકાશે. જ્યારે મતદારયાદીમાં કોઈ નામ સામે વાંધો હોય અથવા કોઈનું નામ કમી કરાવવાનું હોય તો ફોર્મ-7 દ્વારા અરજી કરી શકાશે. ચૂંટણી તંત્રની આ પહેલથી મતદારોને મતદારયાદી સંબંધિત કામગીરી માટે સરળતાથી માર્ગદર્શન અને અરજી કરવાની તક મળશે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવાના યુવાનો સહિત જે મતદારોની વિગતોમાં સુધારો બાકી છે તેઓએ આ ત્રણેય તારીખમાંથી અનુકૂળ દિવસે પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી કરાવી લેવી જોઈએ.