રાજસ્થાનની રાજધાની જયપુરે તેના અસ્તિત્વના 300મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. વર્ષ 1727માં મહારાજા સવાઈ જય સિંહ બીજાએ આ શહેરની સ્થાપના કરી હતી. આજે વિશ્વભરમાં 'ગુલાબી નગરી' તરીકે ઓળખાતું જયપુર માત્ર તેની સુંદરતા અને શાહી વારસા માટે જ નહીં, પરંતુ તેની સુનિયોજિત નગરરચના માટે પણ જાણીતું છે. ખાસ વાત એ છે કે નદીવિહોણા, રેતાળ અને પથરાળ મેદાન પર આ ભવ્ય શહેર વસાવવામાં એક બંગાળી બ્રાહ્મણ વિદ્યાધર ભટ્ટાચાર્યની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જોકે, ઇતિહાસકારો વચ્ચે શહેરના વાસ્તવિક સ્થાપત્યકાર અંગે મતભેદ પણ જોવા મળે છે. જયપુરના નિર્માણથી લઈને તેના ગુલાબી રંગ સુધીની ગાથા અનેક રસપ્રદ ઐતિહાસિક તથ્યોથી ભરેલી છે.
જયપુરની સ્થાપના પહેલાં કછવાહા રાજપૂતોની રાજધાની આમેર હતી. અરવલ્લીની ટેકરીઓ વચ્ચે વસેલું આમેર લગભગ છ સદીઓ સુધી કછવાહા વંશનું સત્તાકેન્દ્ર રહ્યું હતું. જોકે, 1699માં સવાઈ જય સિંહ બીજાએ ગાદી સંભાળી ત્યારે મુઘલ સામ્રાજ્ય સાથેના સંબંધોમાં તણાવ વધવા લાગ્યો હતો. વર્ષ 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ સત્તા માટે ઉત્તરાધિકારની લડાઈ શરૂ થઈ હતી. આ દરમિયાન જય સિંહે રાજકુમાર આઝમ શાહને સમર્થન આપ્યું હતું, પરંતુ આઝમ શાહ પોતાના ભાઈ બહાદુર શાહ સામેની લડાઈ હારી ગયો હતો. ત્યારબાદ બહાદુર શાહે જય સિંહને સત્તા પરથી હટાવીને તેમના નાના ભાઈને આમેરની ગાદી સોંપી હતી. જોકે, 1708માં જોધપુર અને ઉદયપુરના રાજપૂત શાસકોની મદદથી જય સિંહે ફરી સત્તા મેળવી હતી.
આ સમયગાળામાં મુઘલ સામ્રાજ્ય નબળું પડી રહ્યું હતું અને પ્રાદેશિક રાજ્યો પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યાં હતાં. જય સિંહ પણ પોતાના રાજ્યને એક મજબૂત રાજકીય અને આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવા માગતા હતા. આમેરની ભૌગોલિક સ્થિતિ તેમના આ સપનામાં અવરોધ બની રહી હતી. ટેકરીઓ પર વસેલું આ શહેર સુરક્ષાની દૃષ્ટિએ અનુકૂળ હતું, પરંતુ ત્યાં વિસ્તરણ માટે પૂરતી જગ્યા નહોતી. સાંકડા રસ્તાઓ અને ગીચ રહેણાંક વિસ્તારોને કારણે વેપારીઓ, કારીગરો અને વહીવટી તંત્ર માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવી મુશ્કેલ હતી.
આમેરની દક્ષિણે આવેલું ખુલ્લું મેદાન નવી રાજધાની માટે યોગ્ય લાગ્યું. આ સ્થળની આસપાસ અરવલ્લીની ટેકરીઓ હોવાથી કુદરતી સુરક્ષા પણ મળતી હતી. આ ઉપરાંત, તે સમયના મહત્ત્વપૂર્ણ વેપારી માર્ગો પણ આ વિસ્તારની નજીકથી પસાર થતા હતા. એક માર્ગ આમેરને સાંગાનેર સાથે જોડતો હતો, જ્યારે બીજા માર્ગો આગ્રા, અજમેર અને દિલ્હી જેવા શહેરો તરફ જતા હતા. આથી જય સિંહે એવી રાજધાની બનાવવાનું નક્કી કર્યું, જ્યાં સુરક્ષાની સાથે વેપાર અને વહીવટનો પણ વિકાસ થઈ શકે.
જયપુરનું નિર્માણ કાર્ય શરૂ થાય તે પહેલાં આ વિસ્તારમાં શાહી શિકારગાહ હતી. વર્ષ 1713માં જય સિંહે અહીં તાલ કટોરા નામના સરોવરની નજીક આનંદ ઉદ્યાન અને શિકાર માટેનું નિવાસસ્થાન બનાવ્યું હતું, જે 'જય નિવાસ' તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ 1725માં તેમણે પોતાના અધિકારીઓને જૂની રાજધાની આમેરની નીચે આવેલા મેદાનમાં નવા શહેરના નિર્માણની તૈયારીઓ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આખરે 1727માં જયપુરની ઔપચારિક સ્થાપના કરવામાં આવી હતી.
શહેરની રચનામાં વિદ્યાધર ભટ્ટાચાર્યનું નામ ખાસ મહત્ત્વ ધરાવે છે. તેઓ બંગાળી બ્રાહ્મણ હતા અને મહારાજા સવાઈ જય સિંહના દરબારમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા પર કાર્યરત હતા. તેઓ સંસ્કૃતના પ્રાચીન સ્થાપત્ય અને નગરનિર્માણના ગ્રંથોનું જ્ઞાન ધરાવતા હતા. ઇતિહાસકાર જદુનાથ સરકારે તેમને જયપુરના સાચા રચનાકાર ગણાવ્યા છે. તેમના મતે, વિદ્યાધરે વાસ્તુવિદ્યાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને શહેરની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જોકે, ઇતિહાસકાર વિભૂતિ સચદેવ અને ગિલ્સ ટિલોટસનના મતે વિદ્યાધર શહેરના નિર્માણની દેખરેખમાં નજીકથી સંકળાયેલા હતા, પરંતુ તેમને એકમાત્ર મુખ્ય સ્થાપત્યકાર ગણવા અંગે પૂરતા પુરાવા નથી. તેમના મતે, આ વિશાળ પ્રોજેક્ટમાં અનેક સ્થાપત્યકારો અને આયોજકોએ કામ કર્યું હતું, જેમનાં નામ ઇતિહાસમાં નોંધાઈ શક્યાં નથી. તેમ છતાં, શાહી દસ્તાવેજોમાં વિદ્યાધરની ભૂમિકા સ્પષ્ટ થાય છે. એક શાહી આદેશમાં અધિકારીઓને વિદ્યાધરની સૂચનાઓ પ્રમાણે કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જયપુરને અન્ય શહેરોથી અલગ બનાવતી તેની ખાસિયત તેની સુનિયોજિત શેરીઓ અને બજારો છે. મુખ્ય રસ્તાઓની બંને બાજુ એકસરખી ડિઝાઇન પ્રમાણે દુકાનો બનાવવામાં આવી હતી. દુકાનોના આગળના ભાગ, ઇમારતોની ઊંચાઈ અને વરંડા માટે ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. દુકાનોની આગળના સળંગ વરંડા લોકોને છાંયો અને આશ્રય આપતા હતા. ઇમારતોની અગાશીઓ પરથી ધાર્મિક અને શાહી સરઘસો નિહાળી શકાતા હતા. તે સમયનાં અન્ય શહેરોની સરખામણીમાં જયપુરના મુખ્ય રસ્તાઓ અસાધારણ રીતે પહોળા હતા. શહેરની આ રચનાની વિદેશી પ્રવાસીઓ અને ભૂગોળશાસ્ત્રીઓએ પણ પ્રશંસા કરી હતી.
શહેરના નિર્માણમાં પાણીની વ્યવસ્થા પણ મોટો પડકાર હતો. જયપુરમાંથી બારેમાસ વહેતી નદી પસાર થતી નહોતી. તેથી વરસાદી પાણીનો સંગ્રહ અને તેને શહેર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા ઊભી કરવી જરૂરી હતી. દ્રવ્યવતી નદી પ્રણાલીમાંથી શહેર તરફ પાણી લાવવાના કામમાં પણ વિદ્યાધરની ભૂમિકા રહી હતી. આ કામગીરી બદલ તેમને મહારાજા તરફથી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષ 1734માં સાત માળના મહેલના ઝડપી નિર્માણ બદલ પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1751માં બીમારીથી પથારીવશ વિદ્યાધરને શાહી ભેટ તરીકે હાથી આપવામાં આવ્યો હતો. થોડા મહિનાઓ બાદ તેમનું અવસાન થયું હતું. જયપુરમાં આવેલો ઐતિહાસિક વિદ્યાધર-કા-બાગ આજે પણ તેમની યાદ અપાવે છે.
જયપુરનું નિર્માણ ઝડપથી આગળ વધ્યું હતું. વર્ષ 1734 સુધીમાં શહેરના મુખ્ય વિભાગો એટલે કે ચોકડીઓ તૈયાર થઈ ગયા હતા. 1733માં મુઘલ બાદશાહ મુહમ્મદ શાહે જયપુરને રાજ્યની રાજધાની તરીકે સત્તાવાર માન્યતા આપી હતી. વેપારીઓને નવા શહેરમાં વસાવવા માટે મહારાજાએ કરમાં રાહત આપી હતી અને તેમના માટે પોતે જામીનદાર પણ બન્યા હતા. આ રીતે જયપુર ધીમે ધીમે એક મહત્ત્વપૂર્ણ વેપારી અને વહીવટી કેન્દ્ર તરીકે વિકસ્યું હતું.
હવે વાત કરીએ જયપુરના પ્રખ્યાત ગુલાબી રંગની. સામાન્ય રીતે માનવામાં આવે છે કે 1876માં વેલ્સના રાજકુમાર અને ભવિષ્યના બ્રિટિશ રાજા એડવર્ડ સાતમાની મુલાકાત સમયે મહારાજા સવાઈ રામ સિંહ બીજાએ શાહી મહેમાનોના સ્વાગત માટે આખા શહેરને ગુલાબી રંગે રંગાવ્યું હતું. જોકે, ઐતિહાસિક પુરાવા આ માન્યતાને પડકારે છે. ઇતિહાસકારોના મતે, 1876 પહેલાં પણ જયપુરની ઇમારતોમાં લાલાશ પડતા ગુલાબી અને ટેરાકોટા રંગનો ઉપયોગ થતો હતો. 18મી સદીના મધ્યકાળનાં ચિત્રોમાં પણ શહેરની ઇમારતો આ રંગમાં જોવા મળે છે. સિટી પેલેસના સંગ્રહમાં રહેલા જૂના નકશાઓમાં પણ જયપુરની દીવાલોને ટેરાકોટા રંગમાં દર્શાવવામાં આવી છે.
આ રંગ પાછળનું કારણ માત્ર સુંદરતા નહીં, પરંતુ બાંધકામની વ્યવહારુ જરૂરિયાત પણ હતી. શહેરનું નિર્માણ ઝડપથી કરવાનું હોવાથી તમામ ઇમારતો બનાવવા માટે ઘડેલા રેતીના પથ્થરોનો ઉપયોગ કરવો ખર્ચાળ અને સમય માંગી લે તેવું હતું. તેથી આસપાસની ટેકરીઓમાંથી મળતા ક્વાર્ટઝાઇટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પથ્થરોને સુંદર દેખાવ આપવા માટે તેના પર પ્લાસ્ટર અને રંગકામ કરવામાં આવતું હતું. આ માટે લાલ માટીમાંથી બનતા ગેરુનો ઉપયોગ થયો હતો. આ રંગથી શહેરની ઇમારતોને આગ્રા, દિલ્હી અને ફતેહપુર સીકરીનાં મુઘલ સ્મારકો જેવો શાહી દેખાવ મળતો હતો.
વર્ષ 1868માં મહારાજા સવાઈ રામ સિંહ બીજાએ શહેરના અલગ-અલગ રસ્તાઓને વિવિધ રંગોથી રંગવાનો પ્રયોગ પણ કર્યો હતો, પરંતુ આ પ્રયોગ સફળ રહ્યો નહોતો. ત્યારબાદ ગુલાબી રંગને ફરી અપનાવવામાં આવ્યો હતો. આમ, 1876ની બ્રિટિશ શાહી મુલાકાતે જયપુરના ગુલાબી રંગને વધુ પ્રખ્યાત બનાવવામાં ભૂમિકા ભજવી હશે, પરંતુ આ રંગની પરંપરા તેના કરતાં ઘણી જૂની હોવાના ઐતિહાસિક સંકેતો મળે છે.
આજે જયપુર માત્ર રાજસ્થાનની રાજધાની જ નથી, પરંતુ ભારતના સૌથી જાણીતા ઐતિહાસિક શહેરોમાંનું એક છે. વર્ષ 1949માં તે રાજસ્થાનની રાજધાની બન્યું હતું. તેની ઐતિહાસિક ચાર દીવાલોથી ઘેરાયેલી નગરીને 2019માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી હતી. 1727માં શરૂ થયેલી આ શહેરની સફર હવે 300મા વર્ષમાં પ્રવેશી છે અને 2027માં જયપુર સ્થાપનાનાં 300 વર્ષ પૂર્ણ કરશે. એક રાજપૂત રાજાનું સ્વપ્ન, એક બંગાળી બ્રાહ્મણની કુશળતા અને અસંખ્ય કારીગરોની મહેનતથી ઊભેલી આ ગુલાબી નગરી આજે પણ ભારતની ઐતિહાસિક અને સ્થાપત્ય વિરાસતનું અનોખું પ્રતીક છે.