આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વૈશ્વિક સ્પર્ધા વધુ તેજ બની રહી છે. એક તરફ ચીન શ્રેષ્ઠ AI સંશોધકોને પોતાના દેશમાં જાળવી રાખીને ઝડપથી આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા વિશ્વભરની પ્રતિભાઓને આકર્ષવામાં સફળ થઈ રહ્યું છે. આ બંને દેશોની સરખામણીમાં ભારતનું ચિત્ર ચિંતાજનક છે. ઉચ્ચ સ્તરના AI સંશોધકોની વૈશ્વિક સંખ્યામાં ભારતનો હિસ્સો ઘટ્યો છે અને દેશની એક પણ સંસ્થા ટોચની 30 સંસ્થાઓમાં સ્થાન મેળવી શકી નથી.
કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ‘વૈશ્વિક AI પ્રતિભાની સ્પર્ધામાં કોણ આગળ છે?’ શીર્ષક હેઠળના અહેવાલમાં 10,280 સંશોધકોના શૈક્ષણિક અને રોજગાર ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સંશોધકોના પેપર્સ મશીન લર્નિંગ ક્ષેત્રની અગ્રણી સંશોધન પરિષદ NeurIPS 2025માં સ્વીકારવામાં આવ્યા હતા. અભ્યાસમાં 2022 અને 2025ના સંશોધકોની સરખામણી કરવામાં આવી હતી. તેમાં સંશોધકોએ ક્યાં સ્નાતક શિક્ષણ મેળવ્યું અને હાલમાં કયા દેશમાં કામ કરી રહ્યા છે તેની વિગતો તપાસવામાં આવી હતી.
અહેવાલ મુજબ, 2025માં વિશ્વના શ્રેષ્ઠ AI સંશોધકોમાંથી 41 ટકા ચીનમાં કામ કરતા હતા, જ્યારે અમેરિકામાં આ પ્રમાણ 34 ટકા હતું. સંશોધકોના મૂળ દેશના આધારે પણ ચીનનો હિસ્સો વધ્યો છે. ચીનમાં સ્નાતક શિક્ષણ પૂર્ણ કરનારા સંશોધકોનું પ્રમાણ 2022માં 46 ટકા હતું, જે 2025માં વધીને 57 ટકા થયું હતું. તેની સામે અમેરિકામાં સ્નાતક શિક્ષણ મેળવનારા સંશોધકોનો હિસ્સો ઘટીને 13 ટકા થયો હતો.
ચીન માત્ર પોતાના દેશમાં AI સંશોધકો તૈયાર કરવામાં જ નહીં, પરંતુ તેમને દેશમાં જ રોકી રાખવામાં પણ સફળ થઈ રહ્યું છે. ચીની મૂળના સંશોધકોમાંથી ચીનમાં જ કામ કરતા સંશોધકોનું પ્રમાણ 2022માં 57 ટકા હતું, જે 2025માં વધીને 69 ટકા થયું હતું. આ પાછળ ચીનમાં ઝડપથી વિસ્તરી રહેલો AI ઉદ્યોગ અને રોજગારીની વધતી તકોને મુખ્ય કારણ માનવામાં આવે છે. બીજી તરફ, અમેરિકાના કડક વિઝા નિયમોને કારણે ચીનમાં અભ્યાસ કરનારા કેટલાક સ્નાતકો માટે અમેરિકા જવું મુશ્કેલ બન્યું છે.
ચીનનું વર્ચસ્વ વધવા છતાં અમેરિકા વૈશ્વિક AI પ્રતિભાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને ચીનમાં શિક્ષણ મેળવનારા સંશોધકો અમેરિકામાં કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. 2022થી 2025 દરમિયાન અમેરિકામાં કામ કરતા ચીની મૂળના સંશોધકોનો હિસ્સો ચાર ટકા પોઈન્ટ વધ્યો હતો. 2025માં અમેરિકાને ઉચ્ચ સ્તરના 2,145 સંશોધકોનો ચોખ્ખો લાભ થયો હતો, જ્યારે ચીનને 1,729 સંશોધકોનું ચોખ્ખું નુકસાન થયું હતું. બંને દેશો વચ્ચેની અવરજવરમાં પણ મોટો તફાવત જોવા મળ્યો હતો. 2025માં ચીનમાં કામ કરતા અમેરિકી મૂળના એક સંશોધકની સામે અમેરિકામાં કામ કરતા ચીની મૂળના 30 સંશોધકો હતા.
ભારતની સ્થિતિ આ બંને દેશોથી અલગ અને ચિંતાજનક છે. 2022થી 2025 દરમિયાન વૈશ્વિક સ્તરે ઉચ્ચ AI પ્રતિભામાં ભારતનો હિસ્સો બે ટકા પોઈન્ટ ઘટ્યો હતો. આ સમયગાળામાં અમેરિકામાં કામ કરતા ભારતીય મૂળના સંશોધકોનો હિસ્સો પણ ઘટ્યો હતો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે 2022 અને 2025 એમ બંને સમયગાળામાં ઉચ્ચ સ્તરની AI સંશોધન પ્રતિભા તૈયાર કરતી ટોચની 30 સંસ્થાઓમાં ભારતની એક પણ સંસ્થાનો સમાવેશ થયો નહોતો.
એશિયાના અન્ય દેશોની સરખામણીમાં પણ ભારતનું પ્રદર્શન નબળું રહ્યું છે. દક્ષિણ કોરિયાએ પોતાની 77 ટકા AI સંશોધન પ્રતિભા જાળવી રાખી હતી, જ્યારે ચીનનો આ દર 69 ટકા રહ્યો હતો. સંસ્થાકીય સ્તરે પણ ચીન અને દક્ષિણ કોરિયાની પ્રગતિ સ્પષ્ટ દેખાઈ હતી. 2025માં પેકિંગ યુનિવર્સિટી ઉચ્ચ AI પ્રતિભા તૈયાર કરતી ટોચની સંસ્થાઓમાં પ્રથમ ક્રમે રહી હતી. તેણે 2022માં પ્રથમ સ્થાન ધરાવતી ગૂગલને પાછળ છોડી હતી. દક્ષિણ કોરિયાની KAIST યુનિવર્સિટી 12 સ્થાન આગળ વધીને ત્રીજા ક્રમે પહોંચી હતી. જ્યારે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર અને નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ટોચની 20 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું હતું.
આ તારણો દર્શાવે છે કે AI ક્ષેત્રે આગળ વધવા માટે માત્ર રોકાણ કે ટેક્નોલોજી પૂરતી નથી. દેશમાં ઉચ્ચ સ્તરના સંશોધકો તૈયાર કરવા, તેમને સંશોધન માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું અને રોજગારીની સારી તકો ઊભી કરવી પણ એટલું જ જરૂરી છે. ભારતે વૈશ્વિક AI સ્પર્ધામાં પોતાની સ્થિતિ મજબૂત કરવી હોય તો સંશોધન ક્ષેત્રે મજબૂત માળખું ઊભું કરવાની સાથે પ્રતિભાશાળી સંશોધકોને દેશમાં જ કામ કરવાની તક આપવી પડશે.
જોકે, આ અભ્યાસમાં NeurIPSમાં સ્વીકારાયેલા સંશોધન પેપર્સના લેખકોને ઉચ્ચ AI સંશોધન પ્રતિભાના માપદંડ તરીકે લેવામાં આવ્યા છે. તેથી આ આંકડા સમગ્ર વિશ્વના AI કાર્યબળનું પ્રતિનિધિત્વ કરતા નથી. સંશોધકોનો મૂળ દેશ નક્કી કરવા માટે તેમણે ક્યાં સ્નાતક શિક્ષણ પૂર્ણ કર્યું હતું તેને આધાર બનાવવામાં આવ્યો હતો.