બ્રિટનના સંરક્ષણ ગુપ્તચર વિભાગના વડા લેફ્ટનન્ટ જનરલ મેથ્યુ જોન્સે ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશો પ્રત્યે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આક્રમક વલણ એક મોટી ગંભીર ભૂલ (miscalculation) તરફ દોરી શકે છે. આ ભૂલના પરિણામો વિનાશક હોઈ શકે છે અને તેના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ પણ શરૂ થઈ શકે છે.
જોન્સે જણાવ્યું હતું કે જોકે રશિયા ઈરાદાપૂર્વક નાટો (NATO) સાથે સંઘર્ષ ઈચ્છતું નથી પરંતુ રશિયાની સતત વધી રહેલી "બેજવાબદાર કાર્યવાહી"ને કારણે નાની ઘટનાઓ પણ મોટા યુદ્ધમાં ફેરવાઈ જવાનું જોખમ વધી ગયું છે.
બ્રિટનના સંરક્ષણ ગુપ્તચર વડાએ શું કહ્યું?
'કેમ્બ્રિજ ઇન્ટેલિજન્સ સેમિનાર'માં બોલતા જોન્સે કહ્યું, "મને સૌથી મોટો ડર એ છે કે કોઈ મોટી ગેરસમજ કે ગંભીર ભૂલ થઈ શકે છે." તેમણે ઉમેર્યું, "પુતિન દબાણ હેઠળ છે અને અમને પડકારવાના પ્રયાસમાં તેમનો અભિગમ વધુ કઠોર અને આક્રમક બની રહ્યો છે. તાજેતરમાં રશિયા દ્વારા બેજવાબદાર વર્તનના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જો સંજોગો થોડા પણ અલગ હોત તો તેના પરિણામો અત્યંત ગંભીર હોઈ શક્યા હોત."
બ્રિટિશ અધિકારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નાટોના પ્રદેશોમાં અને તેની આસપાસ રશિયાની પ્રવૃત્તિઓ વધી રહી છે, જેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમાં પોલેન્ડમાં રશિયન મિસાઇલો પડવી અને શંકાસ્પદ ડ્રોન ઉતરવું, તેમજ ડેનમાર્કમાં અમેરિકા-યુક્રેનના નાગરિકની હત્યાના કથિત કાવતરા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. જે રશિયન ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.
જોન્સે તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો
જોન્સે રશિયા સાથે સંકળાયેલી અન્ય કેટલીક ઘટનાઓ તરફ પણ ધ્યાન દોર્યું જેમાં જર્મનીના લિપઝિગ શહેરમાં એક એરપોર્ટ પર થયેલો ડ્રોન હુમલો સામેલ છે. તેમણે આ ઘટનાને "તાજેતરના સમયનું સૌથી ગંભીર અને નિંદનીય ઉદાહરણ" ગણાવ્યું. તેમણે નાટો સભ્ય દેશ રોમાનિયાના કિનારા નજીક કાળા સમુદ્રમાં વ્યાપારી જહાજો ડૂબી જવાની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો.
રશિયાને ચેતવણી
તેમણે ભારપૂર્વક કહ્યું કે બ્રિટન રશિયા સાથે કોઈ સંઘર્ષ ઈચ્છતું નથી પરંતુ પોતાની સુરક્ષા સામે આવતા કોઈપણ ખતરાનો જવાબ આપવા માટે તે સંપૂર્ણ સજ્જ છે. જોન્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે બ્રિટન રશિયા સાથે કોઈ સંઘર્ષ કે ટકરાવ ઈચ્છતું નથી પરંતુ, જો આપણા દેશ કે આપણા સાથી દેશોની રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો થશે તો અમે પૂરા દ્રઢ નિશ્ચય સાથે અમારો બચાવ કરીશું."