સુરતીઓના મનપસંદ અને વીકએન્ડમાં સૌથી વધુ ધમધમતા સ્થળ ડુમસ સી ફેસની મુલાકાત હવે મફત નહીં રહે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઝોન-1માં પ્રવેશ અને પાર્કિંગ ફી વસૂલવાની દરખાસ્તને પ્રાથમિક મંજૂરી આપી છે. સૂચિત દર મુજબ 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિદીઠ 20 રૂપિયા અને ફોર વ્હીલર પાર્કિંગ માટે 30 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, ઇલેક્ટ્રિક વાહનોને પાર્કિંગ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ દરખાસ્તને હજુ સામાન્ય સભાની અંતિમ મંજૂરી મળવાની બાકી છે.
અત્યાર સુધી ડુમસ સી ફેસ પર ફરવા આવતા મુલાકાતીઓ પાસેથી પ્રવેશ કે પાર્કિંગ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નહોતો. જોકે, ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખુલ્લો મૂકાયા બાદ અહીં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. અનેક વખત દૈનિક ક્ષમતા કરતાં પણ વધુ લોકો ઉમટતા હોવાથી ભીડનું નિયંત્રણ, મુલાકાતીઓની સુરક્ષા અને સ્થળની જાળવણી જેવા મુદ્દાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત વીજળીનું બિલ અને અન્ય નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે વોટર રિસોર્સિસ એન્ડ રિક્રિએશન સેલ દ્વારા ઝોન-1માં પ્રવેશ અને પાર્કિંગ ફીના દર નક્કી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. 21 નવેમ્બરે મળેલી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્તને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી. સૂચિત દર મુજબ 12 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિએ પ્રવેશ માટે પ્રતિદિન 20 રૂપિયા ચૂકવવાના રહેશે. 3થી 12 વર્ષનાં બાળકો અને 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પ્રવેશ ફી 10 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ત્રણ વર્ષ સુધીનાં બાળકોને પ્રવેશ સંપૂર્ણપણે મફત રહેશે.
પાર્કિંગ માટે બસ અને હેવી કોમર્શિયલ વાહનો પાસેથી 90 રૂપિયા, ફોર વ્હીલર માટે 30 રૂપિયા, થ્રી વ્હીલર માટે 25 રૂપિયા અને ટુ વ્હીલર માટે 10 રૂપિયા વસૂલવાનો પ્રસ્તાવ છે. બીજી તરફ, ઇલેક્ટ્રિક વાહનોને પાર્કિંગ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. પર્યાવરણને અનુકૂળ વાહનોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ છૂટ આપવામાં આવી છે. જો આ દરખાસ્તને અંતિમ મંજૂરી મળી જાય તો પરિવાર સાથે ડુમસ સી ફેસની મુલાકાત લેવાનું બજેટ પણ વધશે. ઉદાહરણ તરીકે, માતા-પિતા અને 12 વર્ષથી વધુ ઉંમરનાં બે બાળકો સહિત ચાર સભ્યોનો પરિવાર પોતાની કાર લઈને આવે તો પ્રવેશ ફી પેટે 80 રૂપિયા અને કારના પાર્કિંગ માટે 30 રૂપિયા ચૂકવવા પડશે. આમ, એક દિવસની મુલાકાત માટે પરિવારને કુલ 110 રૂપિયાનો ખર્ચ થશે.
સ્થાયી સમિતિની મંજૂરી મળ્યા બાદ પણ આ દરખાસ્તનો તાત્કાલિક અમલ શરૂ થયો નથી. હવે તેને સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ અને વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યા પછી જ મુલાકાતીઓ પાસેથી પ્રવેશ અને પાર્કિંગ ચાર્જ વસૂલવાની શરૂઆત થશે. નવી એજન્સીની આર.એફ.પી. (RFP) પ્રક્રિયા દ્વારા નિમણૂક ન થાય ત્યાં સુધી સૂચિત દરો અમલી રાખવાનું આયોજન પણ દરખાસ્તમાં કરવામાં આવ્યું છે.