સુરતની ખાણીપીણીની આગવી ઓળખ એવા પોંકની મોસમ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વર્ષે કુદરતના બદલાયેલા મિજાજે પોંકની મીઠાશ અને કુમળાપણાં પર અસર કરી છે. અનિયમિત વરસાદ, પૂરતી ઠંડી અને ઝાકળનો અભાવ તેમજ વધતા પ્રદૂષણની અસર પોંકના પાકથી લઈને તેના સ્વાદ સુધી જોવા મળી રહી છે. પોંકના દાણા હજુ કડક અને મીઠાશમાં ઓછા હોવા છતાં તેની માંગ વધી રહી છે, જેના કારણે ભાવ 700થી 800 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. એક તરફ સુરત ઔદ્યોગિક વિકાસ સાથે મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ શહેરની પરંપરાગત ઓળખ સમાન પોંકની ખેતી અને ઉત્પાદન સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે.
સામાન્ય રીતે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી સુરતમાં પોંકની મોસમ જામવા લાગે છે. આંધળી વાણીની જુવારમાંથી તૈયાર થતો પોંક તેની મીઠાશ, નરમાઈ અને કુમળા દાણાને કારણે જાણીતો છે. જોકે, આ વર્ષે વરસાદના બદલાયેલા મિજાજની અસર પાકના સમય અને ગુણવત્તા પર પડી છે. શરૂઆતમાં વરસાદ એકસાથે ભારે પ્રમાણમાં પડ્યો હતો, પરંતુ ત્યારબાદ પાકને અનુકૂળ એવો વરસાદ થયો નથી. દિવાળી સુધી વરસાદી માહોલ રહ્યા બાદ હવે ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ હજુ સુધી પૂરતી ઠંડી પડી નથી અને ઝાકળનું પ્રમાણ પણ ઓછું છે. પોંકના દાણામાં મીઠાશ અને કુમળાપણું જળવાઈ રહેવા માટે ઠંડી અને ઝાકળનું વાતાવરણ અનુકૂળ માનવામાં આવે છે. રાત્રિના સમયે ઠંડી અને ઝાકળની અસરથી જુવારના દાણાની ગુણવત્તા જળવાય છે, પરંતુ આ વર્ષે આવી પરિસ્થિતિનો અભાવ જોવા મળી રહ્યો છે.
ભૂતકાળમાં શિયાળાની શરૂઆત સાથે સુરતમાં ઠંડી અને ઝાકળનો માહોલ જોવા મળતો હતો. જોકે, હવે વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે ઠંડીનો મિજાજ પણ બદલાયો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો, શહેરી વિસ્તારોમાં વધતું પ્રદૂષણ અને સિમેન્ટ-કોંક્રિટના બાંધકામોના વિસ્તરણને કારણે સ્થાનિક વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો હોવાની ચર્ચા વચ્ચે તેની અસર પરંપરાગત પાકો પર પણ અનુભવાઈ રહી છે. સુરત એક તરફ ઔદ્યોગિક વિકાસ અને મેટ્રો સિટી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે શહેરની મૂળ કૃષિ ઓળખ ધીમે ધીમે પાછળ ધકેલાઈ રહી છે. સિમેન્ટ-કોંક્રિટના વિસ્તરણને કારણે ખેતીની જમીન ઘટી રહી છે અને આંધળી વાણીની જુવારની ખેતી શહેરની હદથી દૂર સરકી રહી છે. તેની સાથે પોંક તૈયાર કરતી ભઠ્ઠીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે સુરતના શિયાળાની ઓળખ બનેલી પોંકની મોસમ હવે બદલાતા વાતાવરણ અને ઘટતા ખેતી વિસ્તાર એમ બંને પડકારોનો સામનો કરી રહી છે.
પોંકનું વેચાણ કરતા યોગેશ ચૌધરીના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં ફેરફાર અને પ્રદૂષણ વધવાની અસર આંધળી વાણીની જુવારના પાક પર જોવા મળી રહી છે. આ વર્ષે વરસાદ થોડો-થોડો પડવાને બદલે એકસાથે વધુ પ્રમાણમાં પડ્યો હતો, જ્યારે પાકને જરૂરી એવો પાછળનો વરસાદ થયો નથી. તેના કારણે પોંકનું આગમન થોડું મોડું થયું છે. હાલ પોંકના દાણા કડક છે અને તેમાં મીઠાશ પણ ઓછી છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધશે તો પોંકની ગુણવત્તામાં સુધારો થવાની આશા છે.
બીજી તરફ, એક સમયે સુરતની આગવી ઓળખ ગણાતા પોંકની ભઠ્ઠીઓ અને સ્ટોલની સંખ્યા ઘટી રહી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં પોંકના સ્ટોલ વધી રહ્યા છે. બારડોલી, નવસારી ઉપરાંત હાંસોટ અને કરજણ વિસ્તારમાં હાઇવે તથા આસપાસના માર્ગો પર પોંકના સ્ટોલની સંખ્યા વધી છે. સુરતમાં પોંકની અછત અને ઊંચા ભાવની સરખામણીએ આ વિસ્તારોમાં પ્રમાણમાં સસ્તો, કુમળો અને સ્વાદિષ્ટ પોંક મળતો હોવાની માન્યતાને કારણે સુરતીઓ હવે વીકએન્ડમાં પરિવાર અને મિત્રો સાથે પોંક પાર્ટી માટે લાંબી ડ્રાઇવ કરી રહ્યા છે.
નવસારી નદીના બ્રિજ પહેલાંથી લઈને બારડોલી અને કરજણ હાઇવે સુધીના પોંકના સ્ટોલ પર સુરતીઓની ઘરાકી જોવા મળી રહી છે. હાંસોટ અને અંકલેશ્વર તરફ પણ પોંકના સ્ટોલ વધી રહ્યા છે. ખાસ વાત એ છે કે પોંક ખાવા માટે સુરતીઓ શહેરની બહાર જાય છે, પરંતુ તેની સાથે ખાવામાં આવતી સુરતી સેવ અને અન્ય ચીજવસ્તુઓ સુરતથી જ લઈ જાય છે. આમ, પોંકની મોનોપોલી તૂટતાં તેની મજા માણવા માટે સુરતીઓનાં સ્થળ બદલાયાં છે, પરંતુ પોંક અને સુરતી સેવનો નાતો આજે પણ અકબંધ છે.