વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બિલ્ડર દ્વારા રૂ.40 લાખની છેતરપિંડી આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. વિવાદિત સ્કીમમાં રોકાણ કરાવી રૂપિયા પરત ન આપ્યા કે ફ્લેટનું બુકિંગ ન આપ્યું હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ ફતેગંજ, પોસ્ટ ઓફિસ પાસે હેમદિપ ફ્લેટમાં રહેતા રવિન્દ્ર યશવંતરાય પરમારે આરોપી માજીદખાન ઝફરૂલ્લાખાન પઠાણ રહે. ખાન બિલ્ડીંગ, સંસ્કાર સ્કુલની પાછળ, ફતેગંજ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી ઈન્ફીનીટી બોક્સ ડેવલોપર્સના માલિક છે. આરોપીએ તા.27 ડિસેમ્બસર 2024 ના રોજ ફતેગંજ ખાતે આવેલી ધ વિસ્ટા જીમખાના રોડ પરની સ્કીમમાં ફરિયાદી પાસેથી રૂપિયા પડાવી લેવાના ઈરાદે તેમની સ્કીમ વિવાદમાં હોવાનું અને બાંધકામ બંધ હોવાનું સારી રીતે જાણતા હોવા છતાં ફરિયાદીને લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ આરોપીએ પોતાની ધ વિસ્ટા નામની સાઈટમાં ફરિયાદી પાસે રૂ.40 લાખ જેટલી મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ આજદિન સુધી તેમના રૂપિયા પરત આપ્યા નથી કે કોઈ ફ્લેટનું બુકિંગ પણ આપ્યું નથી. આ રીતે ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.