બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાને પોતાની બે લોકપ્રિય ફિલ્મ 'દબંગ' અને 'બજરંગી ભાઈજાન'ની સિક્વલને લઈને મોટો ખુલાસો કર્યો છે. એક મુલાકાત દરમિયાન સલમાને જણાવ્યું હતું કે ચુલબુલ પાંડેના પાત્રમાં ફરી જોવા મળવું શક્ય છે અને 'દબંગ'ની વધુ એક ફિલ્મ બની શકે છે. જોકે, 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ બનાવવાની તેની કોઈ યોજના નથી. સલમાનના મતે, પહેલી ફિલ્મની સરખામણીમાં બીજી ફિલ્મ નબળી પડે તેવું તે ઇચ્છતો નથી. સલમાને જણાવ્યું હતું કે 'દબંગ' ફિલ્મના તમામ રાઇટ્સ ખાન પરિવાર પાસે હોવાથી તેની વધુ એક સિક્વલ બનાવવામાં કોઈ મુશ્કેલી નથી. વર્ષ 2010માં રિલીઝ થયેલી 'દબંગ'માં ચુલબુલ પાંડેના પાત્રમાં સલમાન ખાન ખૂબ લોકપ્રિય થયો હતો. આ ફિલ્મની સફળતા બાદ 2012માં 'દબંગ 2' અને 2019માં 'દબંગ 3' રિલીઝ થઈ હતી. સલમાને કહ્યું હતું કે 'દબંગ'ની સિક્વલ બનાવવી તેમના હાથમાં છે, પરંતુ 'બજરંગી ભાઈજાન'ની બાબતમાં એવું નથી.
'બજરંગી ભાઈજાન'ની સિક્વલ અંગે વાત કરતાં સલમાને કહ્યું હતું કે તેને આ ફિલ્મની વાર્તાને આગળ લઈ જવાનું શક્ય લાગતું નથી. તેના મતે, જો બીજી ફિલ્મની સરખામણી પહેલી ફિલ્મ સાથે થાય અને દર્શકોને એવું લાગે કે તેમાં પહેલાં જેવી મજા નથી, તો આવી ફિલ્મ બનાવવાનો કોઈ અર્થ નથી. તેથી તે 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ બનાવવા માગતો નથી. આ ઉપરાંત સલમાને પોતાની આગામી ફિલ્મ 'માતૃભૂમિ' અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મની રિલીઝ ડેટ એક જ દિવસે આવવા અંગે પણ વાત કરી હતી. બંને ફિલ્મો 4 ડિસેમ્બરે રિલીઝ થવાની હોવાથી બોક્સ ઓફિસ પર ટક્કરની શક્યતા છે. સલમાને જણાવ્યું હતું કે તેને પહેલાં જાણ નહોતી કે શ્રદ્ધાની ફિલ્મ પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. જો તેને આ વાતની જાણ હોત તો તે પોતાની ફિલ્મની રિલીઝ માટે બીજી તારીખ પસંદ કરત. સલમાને વધુમાં જણાવ્યું હતું કે આ વાતની જાણ થયા બાદ તેને ખરાબ લાગ્યું હતું અને તેણે શ્રદ્ધા કપૂરને ફોન કરીને માફી પણ માગી હતી. જોકે, શ્રદ્ધાએ તેને જણાવ્યું હતું કે બંને ફિલ્મો માટે પૂરતી જગ્યા છે. આ સાંભળીને સલમાને ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ તેણે દર્શકોને શ્રદ્ધાની ફિલ્મ પણ જોવા જવાની અપીલ કરી હતી.