રાજસ્થાનમાં શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ બે અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કુલ 12 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રથમ અકસ્માત કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક થયો હતો. અહીં ખાટુ શ્યામજીનાં દર્શન કરીને મહારાષ્ટ્ર પરત ફરી રહેલા એક પરિવારના 9 સભ્યોનાં મોત થયાં હતાં. જ્યારે બીજી દુર્ઘટના જોધપુરમાં સર્જાઈ હતી, જેમાં ગુજરાતથી રામદેવરા બાબાનાં દર્શન કરવા જઈ રહેલા પરિવારના 3 સભ્યોનાં જીવ ગયા હતા.
કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક મધરાતે મહારાષ્ટ્રના પરિવારની ક્રુઝર એક ટ્રક સાથે અથડાઈ હતી. પરિવાર ખાટુ શ્યામજીનાં દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યો હતો. ક્રુઝરમાં કુલ 16 લોકો સવાર હતા. શંભુપુરા પાસેથી પસાર થતી વખતે ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બેકાબૂ બનેલી ક્રુઝર હાઈવેની સાઇડમાં ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ક્રુઝરનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. દુર્ઘટનામાં બાળકો સહિત એક જ પરિવારના 9 સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. અધિક જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, ક્રુઝરમાં સવાર 16 લોકોમાંથી 9નાં મોત થયાં છે, જ્યારે 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ, શનિવાર અને રવિવારની રાત્રે જોધપુર નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગુજરાતનો એક પરિવાર રામદેવરા બાબાનાં દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારની કાર અને એક ટ્રાવેલ ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના અધિક્ષકના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો એક જ પરિવારના સભ્યો છે અને ગુજરાતથી દર્શન કરવા આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. રાજસ્થાનમાં એક જ રાતમાં બનેલી આ બે દુર્ઘટનાઓમાં કુલ 12 લોકોએ જીવ ગુમાવતાં બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.