દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ (DPIFF) 2026ના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે ભારતીય સિનેમા, સંગીત, ટેલિવિઝન અને ઓટીટી ક્ષેત્રની પ્રતિભાઓની સાથે આંતરરાષ્ટ્રીય કલાકારોને પણ વિવિધ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે. અમેરિકન પોપ સિંગર ટેલર સ્વિફ્ટને ‘ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર’નો ખિતાબ આપવામાં આવ્યો છે. સંગીત, ગીતલેખન અને વૈશ્વિક મનોરંજન ક્ષેત્રે તેના યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ટેલર સ્વિફ્ટના નામની જાહેરાત બાદ ભારતીય ચાહકોમાં આશ્ચર્ય સાથે એવોર્ડની પ્રકૃતિ અને અધિકૃતતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
ભારતીય સિનેમા કેટેગરીમાં ફિલ્મ ‘ધુરંધર’એ ખાસ ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જ્યારે રણવીર સિંહને બેસ્ટ એક્ટર અને આદિત્ય ધરને બેસ્ટ ડિરેક્ટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ‘સૈયારા’ માટે અનીત પડ્ડાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ, ‘કાંતારા ચેપ્ટર 1’ને ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે અને ઋષભ શેટ્ટીને આ ફિલ્મ માટે ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો ખિતાબ મળ્યો છે. સંગીત ક્ષેત્રે પણ અનેક કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે. કરણ ઔજલાને ‘આર્ટિસ્ટ ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો છે, જ્યારે ‘સૈયારા’ના ટાઇટલ ટ્રેકને ‘સોંગ ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યું છે. શાશ્વત સચદેવને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર અને ફહીમ અબ્દુલ્લાને બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ઓટીટી અને વેબ સિરીઝ કેટેગરીમાં ‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’ને બેસ્ટ વેબ સિરીઝનો એવોર્ડ મળ્યો છે. આર્યન ખાનને આ સિરીઝ માટે બેસ્ટ વેબ સિરીઝ ડિરેક્ટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે સમય રૈનાને ‘કોમેડિયન ઓફ ધ યર’નો ખિતાબ આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કેટેગરીમાં પણ જાણીતા નામોનો સમાવેશ થયો છે. માઈકલ બી. જોર્ડનને ફિલ્મ ‘સિન્સર્સ’ માટે બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ટર અને જેસી બકલીને ‘હેમનેટ’ માટે બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. પોલ થોમસ એન્ડરસનને ‘વન બેટલ આફ્ટર અનધર’ માટે બેસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ‘અવતાર: ફાયર એન્ડ એશ’ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. વિશેષ યોગદાન બદલ કમલ હાસનને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં, ઇલૈયારાજાને સંગીત ક્ષેત્રે અને જેમ્સ કેમેરોનને વૈશ્વિક સિનેમામાં યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.