વિદેશમાં નોકરી કરીને સારા ભવિષ્યના સપના જોતા લોકોને ઠગતા એજન્ટોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના હરણી એરપોર્ટ રોડ પર આવેલી ઓવરસીસ સર્વિસના સંચાલકે યુ.કે.ના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી અમદાવાદના વેપારી અને તેમના મિત્ર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. ચાર વ્યક્તિઓને વિદેશ મોકલવાની ખાતરી આપી મેડિકલ અને બાયોમેટ્રિકની પ્રક્રિયા પણ કરાવી દીધી હતી, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં વિઝા ન મળતાં સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો. વારંવાર નાણાંની ઉઘરાણી કરવા છતાં રૂ.19.77 લાખ પરત નહીં મળતાં આખરે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદના વેપારી સિદ્ધાર્થ રુદ્રસિંહ વનાર અને તેમના મિત્ર ધવલભાઈ પટેલનો સંપર્ક હરણી એરપોર્ટ રોડ પર આવેલી 'આર.કે. ઓવરસીસ સર્વિસ'ના પ્રોપરાઇટર રાજેશ કુંતે સાથે થયો હતો. આરોપીએ સિદ્ધાર્થ વનાર, તેમનાં પત્ની દીપિકાબેન, ધવલભાઈ પટેલ અને તેમનાં પત્ની પ્રિયાબેનને યુ.કે.ના વર્ક વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી. વિઝા પ્રક્રિયાના નામે સિદ્ધાર્થ પાસેથી રૂ.20.47 લાખ અને ધવલભાઈ પાસેથી રૂ.13.29 લાખ મળી રૂ.33.76 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી. ત્યારબાદ ચારેય વ્યક્તિઓના મેડિકલ અને બાયોમેટ્રિક પણ કરાવવામાં આવ્યાં હતાં.
જોકે, વિઝા મળવાની આશાએ રાહ જોતા ચારેયને નિરાશા સાંપડી હતી. નિયત સમયમર્યાદા વીતી જવા છતાં વિઝા નહીં મળતાં બંને મિત્રોએ પોતાના નાણાં પરત માગવાનું શરૂ કર્યું હતું. ઉઘરાણી બાદ આરોપીએ થોડાં નાણાં પરત કર્યાં હતાં, પરંતુ સિદ્ધાર્થ વનારના રૂ.17.45 લાખ અને ધવલભાઈ પટેલના રૂ.2.32 લાખ મળી રૂ.19.77 લાખ પરત આપ્યા નહોતા.
આખરે નાણાં પરત મેળવવા માટે વારંવાર સંપર્ક કરવા છતાં આરોપી રાજેશ કુંતે ફોન ઉપાડવાનું ટાળવા લાગ્યો હતો. ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો અને ઓફિસ પણ બંધ કરી દેતાં બંનેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે સિદ્ધાર્થ વનારે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઓવરસીસ સર્વિસના સંચાલક સામે છેતરપિંડીની તપાસ હાથ ધરી છે.