પંચમહાલ જિલ્લાના હાલોલ- પાવાગઢ બાયપાસ રોડ પર આવેલા હેરિટેજ હોટલની પાછળ વિશ્વામિત્રી કોતરમાંથી એક 32 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ મળી આવ્યાની જાણ વાયુવેગે ફેલાતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. યુવકના માથાના ભાગે ઇજાનાં નિશાન મળી આવતાં તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વિશ્વામિત્રી કોતરમાંથી મૃતદેહ બહાર કાઢવો પડકારજનક બનતાં પોલીસે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના માથાના ભાગે ઇજાનાં નિશાન જોવા મળ્યાં હતાં. જેથી આ મોત અકસ્માત છે કે અન્ય કોઈ કારણસર થયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ બારીઆ સુનિલકુમાર પોપટસિંહ (ઉંમર 32 વર્ષ) તરીકે થઈ હતી. તેઓ મૂળ રણજિતનગર ગામના ભટ્ટુ ફળિયાના રહેવાસી હતા અને હાલોલની આમ્રપાલી-1 સોસાયટીમાં પોતાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. સુનિલકુમાર પરિણીત હતા અને તેમને બે સંતાનો છે. જેમાં એક પાંચ વર્ષનો અને બીજો સાત વર્ષનો દીકરો છે. પરિવારના મોભી એવા યુવાનના અચાનક મોતના સમાચારથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
પોલીસ દ્વારા મૃતદેહને હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સુનિલકુમાર વિશ્વામિત્રી કોતર સુધી કઈ રીતે પહોંચ્યા, તેમના માથાના ભાગે ઇજાઓ કયા સંજોગોમાં થઈ અને તેમના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે તે સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસમાં સામે આવતી વિગતો બાદ જ યુવાનના રહસ્યમય મોતનું સાચું કારણ બહાર આવશે.