વડોદરા શહેરમાં ઓનલાઈન જુગારના નેટવર્ક સામે એલસીબી ઝોન-4એ કાર્યવાહી કરી કારેલીબાગ વિસ્તારમાં ચાલતા ક્રિકેટ-ફૂટબોલ સટ્ટા અને કસીનો ગેમના ઓનલાઈન જુગારનો પર્દાફાશ કર્યો છે. કારેલીબાગ રોડ પર થિયોસોફિકલ સોસાયટી સામે આવેલા નિસાત કોમ્પ્લેક્સમાંથી ઓનલાઈન જુગારનું સંચાલન કરતા મોહંમદ અમ્માર સફીકભાઈ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, રોકડ રકમ અને વાહન સહિત રૂ.1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી મોહંમદ અમ્માર શેખે પોતાના આર્થિક લાભ માટે મધ્યપ્રદેશના રાજગઢમાં રહેતા સુલતાન ખાન પાસેથી માસ્ટર આઈડી મેળવી હતી. આ આઈડીના માધ્યમથી ઓનલાઈન ક્રિકેટ અને ફૂટબોલ મેચના સટ્ટા ઉપરાંત કસીનોની વિવિધ ગેમમાં નાણાંની હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો. આરોપી માસ્ટર આઈડીના આધારે અન્ય શખ્સોને પણ નાણાં લઈને જુગાર રમવા માટે અલગ-અલગ આઈડી વેચતો હતો. આ રીતે ઓનલાઈન સટ્ટા અને જુગારનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ મામલે એલસીબી ઝોન-4 દ્વારા મોહંમદ અમ્માર શેખ ઉપરાંત તોસીફ માજીદ શેખ (રહે. જલાલપુરા, જંબુસર), ફૈઝલ ઈકબાલ ફક્રુભાઈ મલેક (રહે. જેતલપુર, વડોદરા) અને ગુલામ રસુલ ઉર્ફે મુન્ના ચાચુ અમીરભાઈ મલેક (રહે. પાદરા) સહિતના શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે માસ્ટર આઈડી આપનાર મધ્યપ્રદેશના સુલતાન ખાન સહિતના અન્ય વોન્ટેડ શખ્સોની ભૂમિકા અને ઓનલાઈન જુગારના નેટવર્કની કડીઓ તપાસી રહી છે.