વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લખનઉમાં યોજાયેલા પાંચમા રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં દેશના યુવાનો, કૌશલ્ય વિકાસ અને ભારતની પરંપરાગત કારીગરીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સોનાની ખરીદી અંગેની પોતાની અપીલનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, લગભગ એક વર્ષ પહેલાં તેમણે દેશવાસીઓને વિનંતી કરી હતી કે જો ખૂબ જ જરૂરી ન હોય તો એક વર્ષ સુધી સોનું ન ખરીદે. તે સમયે ઘણા લોકોએ તેમની આ વાતની મજાક ઉડાવી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના આહ્વાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે, એક સમયે શાસ્ત્રીએ દેશવાસીઓને અઠવાડિયામાં એક સમયનું ભોજન છોડવાની અપીલ કરી હતી અને દેશવાસીઓએ તેને સ્વીકારી હતી. મોદીએ કહ્યું કે, આજે પણ દેશનો સ્વભાવ એવો જ છે. તેમના જેવા સામાન્ય વ્યક્તિએ ઓછું સોનું ખરીદવાની વાત કરી અને લોકોએ સોનાની ખરીદી ઘટાડી. તેમણે દાવો કર્યો કે તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. કેટલાક લોકો હવે તેમને કહી રહ્યા છે કે તેમની સલાહ માનીને તેમના પૈસા બચ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે, આજે પણ દેશવાસીઓમાં સામૂહિક હિત માટે ત્યાગ કરવાની ભાવના છે. તેમણે શાસ્ત્રીજીની અપીલ અને લોકોના પ્રતિસાદની સરખામણી કરતાં જણાવ્યું કે, સોનાની ખરીદી ઘટાડવાની તેમની અપીલને પણ લોકોએ સ્વીકારી હતી. જોકે, સોનાના ભાવમાં ઘટાડા પાછળ માત્ર ભારતીય ગ્રાહકોની ખરીદી ઘટવી જ કારણ નથી. વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર મજબૂત થવો, અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતા અને બોન્ડ યીલ્ડ વધવાથી રોકાણકારો સોના જેવી કિંમતી ધાતુઓમાંથી નાણાં અન્ય વિકલ્પોમાં ખસેડી રહ્યા છે. આ પરિબળોની અસર સોનાના ભાવ પર પડી રહી છે. ચાંદીના ભાવમાં ઘટાડા પાછળ પણ વૈશ્વિક બજારની નબળાઈ, મજબૂત ડોલર અને ઊંચી બોન્ડ યીલ્ડ જેવા પરિબળો જવાબદાર છે. જોકે, વડાપ્રધાને લખનઉના કાર્યક્રમમાં ખાસ કરીને સોનાની ખરીદી અંગે પોતાની અપીલનો ઉલ્લેખ કર્યો હતો. ચાંદીના ભાવમાં ઘટાડા અંગે તેમણે અલગથી કોઈ કારણ આપ્યું નહોતું.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કૌશલ્ય વિકાસના મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, શનિવારે સવારે તેઓ દિલ્હીથી પશ્ચિમ બંગાળ ગયા હતા, જ્યાં તેમનો પ્રથમ કાર્યક્રમ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT)માં હતો. IITના વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળેલી ઊર્જા, સપનાં, આશાઓ અને આકાંક્ષાઓ જેવો જ ઉત્સાહ તેમને લખનઉમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના વિદ્યાર્થીઓ વચ્ચે પણ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, તેમના માટે IIT હોય કે ITI, બંને દેશની અસલી સંપત્તિ, તાકાત અને ભવિષ્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ITIમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓએ જે કૌશલ્ય મેળવ્યું છે, તે વિકસિત ભારતના નિર્માણમાં મોટી શક્તિ બનશે. દેશના વિકાસ માટે માત્ર ડિગ્રી જ નહીં, પરંતુ વ્યવહારુ જ્ઞાન અને હાથની આવડત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ભારતમાં કૌશલ્ય આધારિત વ્યવસ્થાનું મહત્ત્વ ઘટવા પાછળ ઐતિહાસિક કારણો પણ જવાબદાર રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભારતના પરંપરાગત કૌશલ્ય અને કારીગરોની કુશળતાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, જ્યારે આક્રમણકારીઓ ભારતમાં આવ્યા ત્યારે દેશ સુવર્ણ યુગમાં હતો અને સમગ્ર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર હતો. તે સમયે ભારતીય કારીગરો એવી વસ્તુઓ બનાવતા હતા, જેને દુનિયાભરમાં શ્રેષ્ઠ માનવામાં આવતી હતી. તેમના મતે, આક્રમણકારીઓએ સૌથી પહેલાં ભારતીય કૌશલ્ય પર પ્રહાર કર્યો હતો. કારીગરોની કુશળતા નષ્ટ કરવા માટે તેમના અંગૂઠા કાપી નાખવામાં આવતા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આક્રમણકારીઓ જાણતા હતા કે ભારતની સમૃદ્ધિ અને શક્તિ પાછળ કારીગરોની કુશળતા તથા હાથની આવડત મહત્ત્વપૂર્ણ હતી. તેથી ભારતને નબળું પાડવા માટે તેની કૌશલ્ય આધારિત વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અંગ્રેજોના શાસન દરમિયાન પણ ભારતીય કૌશલ્ય આધારિત વ્યવસ્થાને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરતાં મોદીએ કહ્યું કે, અંગ્રેજોએ મેકોલેની શિક્ષણ વ્યવસ્થા દ્વારા દેશમાં એવી પદ્ધતિ લાગુ કરવાની શરૂઆત કરી, જેમાં વ્યવહારુ કૌશલ્ય કરતાં કાગળ પર કામ કરતા ક્લાર્ક તૈયાર કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો. તેમના મતે, અંગ્રેજોએ ભારતમાં કૌશલ્યનું મહત્ત્વ ઘટાડીને પોતાના દેશના ઉદ્યોગોને આગળ વધાર્યા હતા. તેઓ ભારતમાંથી વસ્તુઓ લઈ જતા રહ્યા અને ધીમે ધીમે કાગળ પર કામ કરવાની વ્યવસ્થાને સમાજમાં વધુ સન્માન મળવા લાગ્યું.
વડાપ્રધાને સમાજમાં ITIના અભ્યાસ પ્રત્યે રહેલી માનસિકતા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે સ્થિતિ એવી બની ગઈ છે કે કોઈ બાળક ITIમાં પ્રવેશ મેળવે તો તેના માતા-પિતા ઘણી વખત આ વાત સગાં-સંબંધીઓને જણાવતાં પણ અચકાય છે. આ માનસિકતા બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તેમણે આ સ્થિતિ બદલવાનો સંકલ્પ કર્યો છે. IITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે સન્માન મળે છે, એટલું જ સન્માન ITIના વિદ્યાર્થીઓને પણ મળવું જોઈએ. આવનારા સમયમાં ડિગ્રી કરતાં વ્યવહારુ કૌશલ્ય અને પ્રતિભાની માંગ વધશે. દેશના યુવાનો પોતાની આવડત અને કૌશલ્યના આધારે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.