વડોદરા શહેરના કલાલી રોડ પર આવેલ સહજાનંદ ડુપ્લેક્સની બાજુમાં શ્યામ આઇકોન બિલ્ડીંગના વી-વિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક વીજ મીટર બોક્સમાં અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડો પ્રસરી ગયો હતો. જેના કારણે બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. આગ અંગેની જાણ સ્થાનિક સંજયભાઈ મોદી દ્વારા કરવામાં આવતાં ફાયર બ્રિગેડના નંદકિશોર અને તેમની ટીમ તેમજ અટલાદરા જીઇબી સબ ડિવિઝનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી ફાયર એક્સ્ટિંગ્યુશરથી આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જોકે વીજ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાની ઘટનાને પગલે થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, જીઇબીના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યા બાદ કામગીરી હાથ ધરી પુનઃ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો.