ભારતીય વાયુસેના પાસે ચાર સક્રિય રાફેલ ફાઈટર જેટ ઓછા હોવાનો દાવો કરતા બ્રિટિશ એવિએશન મેગેઝિનના અહેવાલથી વિવાદ ઊભો થયો છે. ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સેવા આપી ચૂકેલા વાયુસેનાના ભૂતપૂર્વ વાઈસ ચીફે આ અહેવાલને ખોટો ગણાવીને ફગાવી દીધો છે. ભારતે ફ્રાન્સ પાસેથી કુલ 36 રાફેલ ફાઈટર જેટ ખરીદ્યાં હતાં, પરંતુ ‘ફ્લાઈટગ્લોબલ’ની તાજેતરની ‘વર્લ્ડ એર ફોર્સિસ’ ડિરેક્ટરીમાં ભારતીય વાયુસેના પાસે હાલમાં માત્ર 32 રાફેલ વિમાન કાર્યરત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ આંકડાને કારણે વાયુસેનાના રાફેલ વિમાનોની સંખ્યા અંગે સવાલો ઊભા થયા છે.
ફ્લાઈટગ્લોબલના અહેવાલમાં ભારતીય વાયુસેના પાસે રાફેલ જેટની સંખ્યા ઘટીને 32 થવા પાછળનું કોઈ કારણ કે પુરાવો આપવામાં આવ્યો નથી. આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતાં એર માર્શલ નર્મદેશ્વર તિવારી (નિવૃત્ત)એ આ આંકડાઓને ‘સદંતર ખોટા’ ગણાવ્યા હતા. તેમણે મેગેઝિનના અહેવાલના સ્ત્રોતોની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ના કેટલાક મહિનાઓ બાદ પ્રકાશિત થયેલા પોતાના અહેવાલમાં પણ ફ્લાઈટગ્લોબલે ભારતીય વાયુસેના પાસે 35 સક્રિય રાફેલ વિમાન હોવાનું દર્શાવ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા એર માર્શલ તિવારીએ ફ્લાઈટગ્લોબલને તેના સ્ત્રોતોનું પુનઃમૂલ્યાંકન કરવાની સલાહ આપી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે આ જ સ્ત્રોતોએ અગાઉ પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરાયેલા રાફેલ વિમાનોના ચોક્કસ ટેઈલ નંબર પણ આપ્યા હતા. જોકે, એર માર્શલના જણાવ્યા અનુસાર, એ જ ટેઈલ નંબર ધરાવતાં વિમાનો ત્યારબાદ વિવિધ આંતરરાષ્ટ્રીય લશ્કરી કવાયતોમાં ભાગ લેતાં જોવા મળ્યાં હતાં.
એર માર્શલ તિવારીએ ભારતીય વાયુસેનાનાં પ્રથમ મહિલા રાફેલ પાયલટ સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહનો કિસ્સો પણ યાદ કર્યો હતો. પાકિસ્તાનનાં અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા એવો ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણ દિવસ ચાલેલા સંઘર્ષ દરમિયાન શિવાંગી સિંહનું રાફેલ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું અને તેમને યુદ્ધકેદી બનાવી લેવામાં આવ્યાં હતાં. જોકે, ભારતીય વાયુસેનાએ તે સમયે જ આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. આમ, ફ્લાઈટગ્લોબલની ડિરેક્ટરીમાં રાફેલ વિમાનોની સંખ્યા 32 દર્શાવાતાં વિવાદ ઊભો થયો છે, જ્યારે વાયુસેનાના ભૂતપૂર્વ વાઈસ ચીફે આ આંકડાને ખોટો ગણાવીને મેગેઝિનના માહિતીના સ્ત્રોતો સામે સવાલ ઉઠાવ્યા છે.