OTT અને સિનેમાપ્રેમીઓ માટે ડિસેમ્બરનો પહેલો સપ્તાહ મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત'ની પાંચમી સીઝન 3 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. જોકે, તેના બીજા જ દિવસે એટલે કે 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. સલમાન ખાનની 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' અને શ્રદ્ધા કપૂરની 'ઈથા' વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર જોવા મળશે. આ બંને ફિલ્મોની રિલીઝને કારણે 'પંચાયત'ની નવી સીઝનને દર્શકોનું ધ્યાન ખેંચવામાં સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
'પંચાયત'ની પાંચમી સીઝન 3 ડિસેમ્બરે દર્શકો સમક્ષ આવશે. આ વખતે ફૂલેરા ગામમાં નવી ઘટનાઓ અને નવા પાત્રો જોવા મળશે. ખાસ વાત એ છે કે ગામનાં નવા પ્રધાન તરીકે ક્રાંતિ દેવીની એન્ટ્રી થવાની છે. તેમના આગમનથી મંજુ દેવી, બ્રિજ ભૂષણ, વિકાસ, સચિવ જી, રિંકી અને પ્રહલાદ કાકાની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. અગાઉની સીઝનમાં દર્શકોને પસંદ આવેલા પાત્રો સાથે આ વખતે ગામના રાજકારણ અને સંબંધોમાં નવા વળાંકો જોવા મળી શકે છે.
બીજી તરફ, 4 ડિસેમ્બરે સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નામ અગાઉ 'બેટલ ઓફ ગલવાન' રાખવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક વિવાદો બાદ તેનું નામ બદલીને 'માતૃભૂમિ' કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ફિલ્મને 'UA 16+' પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ફિલ્મની અવધિ લગભગ 2 કલાક અને 34 મિનિટ છે.
'માતૃભૂમિ'ની સાથે જ 4 ડિસેમ્બરે બીજી ફિલ્મ 'ઈથા' પણ રિલીઝ થવાની છે. લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક જીવનચરિત્રાત્મક ડ્રામા છે. ફિલ્મ મહારાષ્ટ્રની પરંપરાગત લોકકળા 'તમાશા' અને 'લાવણી'નાં જાણીતાં કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે રણદીપ હુડ્ડા, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને સિદ્ધાર્થ જાધવ પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. ફિલ્મનું સંગીત અજય-અતુલની જોડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે તેનું નિર્માણ મેડોક ફિલ્મ્સે કર્યું છે. આમ, 3 ડિસેમ્બરે 'પંચાયત'ની પાંચમી સીઝન અને 4 ડિસેમ્બરે બે મોટી ફિલ્મોની રિલીઝને કારણે મનોરંજન જગતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહે રસપ્રદ સ્પર્ધા જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે OTT પર 'પંચાયત' દર્શકોનું કેટલું ધ્યાન ખેંચે છે અને સિનેમાઘરોમાં 'માતૃભૂમિ' તથા 'ઈથા'માંથી કઈ ફિલ્મને વધુ પસંદગી મળે છે.