ગોવામાં 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)નો ભવ્ય પ્રારંભ થયો છે. ‘સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ’ એટલે કે ‘સીમાઓ વિનાની વાર્તાઓ’ની થીમ સાથે યોજાઈ રહેલા આ નવ દિવસીય ફિલ્મ મહોત્સવમાં 86 દેશોની 150થી વધુ ફિલ્મો રજૂ કરવામાં આવશે. ગોવાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ, ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને સિનેમાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ દેશોની સંસ્કૃતિ, ભાષા અને વાર્તાઓને સિનેમાના માધ્યમથી એક મંચ પર લાવવાનો છે.
ઉદ્ઘાટન સમારોહને સંબોધતા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે IFFI છેલ્લા 22 વર્ષથી વધુ સમયથી ગોવાના સાંસ્કૃતિક જીવનનો મહત્ત્વનો ભાગ બની રહ્યો છે. તેમના મતે સિનેમા માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ વિવિધ સંસ્કૃતિઓને જોડવાનું અને લોકો વચ્ચે સમાન લાગણીઓ ઊભી કરવાનું શક્તિશાળી સાધન છે. તેમણે ફેસ્ટિવલની થીમને ભારતના પ્રાચીન વિચાર ‘વસુધૈવ કુટુંબકમ્’ સાથે જોડતાં કહ્યું હતું કે વિશ્વ એક પરિવાર છે અને સિનેમા આપણને અલગ-અલગ સંસ્કૃતિઓને સમજવાની તક આપે છે.
મુખ્યમંત્રી સાવંતે BRICS સિનેમા વિભાગમાં રામાયણનો સમાવેશ થવાને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમણે મરાઠી, કોંકણી અને ગોવાની ફિલ્મો સહિત ભારતીય સિનેમાની વિવિધતાને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં IFFIની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મહોત્સવ ગોવાના યુવાનોને ફિલ્મ નિર્માણ તરફ પ્રેરિત કરશે અને સ્થાનિક કલાકારોને પોતાની વાર્તાઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તક આપશે.
ગોવાને ફિલ્મ નિર્માણના મોટા કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય એવું સ્થળ બને જ્યાં ફિલ્મોનું નિર્માણ થાય અને તેનું પોસ્ટ-પ્રોડક્શન પણ પૂર્ણ થઈ શકે. આ માટે ગોવા ફિલ્મ શૂટિંગ એક્ટ, 2021, ઓનલાઈન સિંગલ-વિન્ડો મંજૂરી વ્યવસ્થા અને ફિલ્મ નિર્માતાઓને નાણાકીય સહાય જેવી પહેલો હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પ્રી-પ્રોડક્શન, પોસ્ટ-પ્રોડક્શન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) અને ફિલ્મ શિક્ષણની સુવિધાઓ ધરાવતી ફિલ્મ સિટી વિકસાવવાની પણ યોજના છે. એનિમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ પ્રોડક્શન જેવી નવી ટેક્નોલોજી દ્વારા યુવા પ્રતિભાઓને વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગ સાથે જોડવાનો પણ રાજ્યનો પ્રયાસ છે.
અભિનેતા અને સાંસદ રવિ કિશને પણ ફેસ્ટિવલની થીમ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે વિવિધ ભારતીય ભાષાઓ અને પ્રદેશોની લગભગ 700 ફિલ્મોમાં કામ કરવાના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભાષા કે ભૌગોલિક સીમાઓ ગમે તેટલી અલગ હોય, પરંતુ દર્શકોને જોડતી બાબતો એકસરખી હોય છે. સત્ય, લાગણી અને આકર્ષક વાર્તા પ્રેક્ષકોના મન સુધી પહોંચે છે. તેમના જણાવ્યા મુજબ, વિશ્વના એક ખૂણામાં જન્મેલી વાર્તા હજારો માઇલ દૂરના લોકોના દિલમાં પણ સ્થાન મેળવી શકે છે. તેમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમારે સિનેમાને ભારતની સોફ્ટ પાવરની સૌથી શક્તિશાળી અભિવ્યક્તિઓમાંની એક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે IFFI માત્ર ફિલ્મોની ઉજવણી નથી, પરંતુ વિવિધ સંસ્કૃતિઓ, વિચારો, યાદો અને માનવીય અનુભવોને જોડવાનું મંચ છે. ઋગ્વેદના વિચાર ‘આપણને ચારેય દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ’નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે વિશ્વ પ્રત્યેનો ખુલ્લો અભિગમ ભારતની ઓળખને વધુ સમૃદ્ધ બનાવે છે. આ વર્ષે રશિયા અને સ્પેનના વિશેષ પ્રદર્શનો તેમજ BRICS દેશોની 21 ફિલ્મો દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
IFFIના ફેસ્ટિવલ ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે પણ સિનેમાની એકતા સ્થાપિત કરવાની શક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સરહદો માત્ર નકશા પર દોરેલી રેખાઓ નથી, પરંતુ કેટલીકવાર લોકોની વિચારસરણી અને આદતો પણ તેમને એકબીજાથી અલગ રાખે છે. જોકે, સિનેમા આ અંતર દૂર કરી શકે છે. અજાણી ભાષામાં બનેલી ફિલ્મનાં પાત્રો સાથે પણ દર્શકો લાગણીથી જોડાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે વાર્તા એવી કેટલીક બાબતોમાંની એક છે, જે પાસપોર્ટ વિના સરહદો પાર કરી શકે છે.
આ વર્ષે IFFIમાં નવ વર્લ્ડ પ્રીમિયર, બે આંતરરાષ્ટ્રીય પ્રીમિયર, 24 એશિયન પ્રીમિયર અને 116 ભારતીય પ્રીમિયર રજૂ કરવામાં આવશે. ફેસ્ટિવલમાં 137 દેશોમાંથી આવેલી 1,900થી વધુ ફિલ્મ એન્ટ્રીઓમાંથી પસંદગી કરવામાં આવી છે. ઓપનિંગ ફિલ્મ તરીકે ‘ફાધરલેન્ડ’, મધ્ય મહોત્સવની ફિલ્મ તરીકે ‘આઈ મેટર’ અને સમાપન ફિલ્મ તરીકે ‘વી આર ઓલ સ્ટ્રેન્જર્સ’ રજૂ થશે.
આ વર્ષની અન્ય વિશેષતાઓમાં સ્પેનને ‘કન્ટ્રી ઓફ ઓનર’ અને રશિયાને ‘પાર્ટનર કન્ટ્રી’ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. BRICS સિનેમા શોકેસમાં વિવિધ દેશોની ફિલ્મો રજૂ થશે. ઇન્ડિયન પેનોરમા વિભાગમાં 18 ભાષાઓની કુલ 76 ફિલ્મો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત એનિમેશન અને ‘ફિલ્મ્સ અબાઉટ ફિલ્મ્સ’ નામના બે નવા વિભાગો પણ સામેલ કરવામાં આવ્યા છે.
નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે 52 મહિલા ફિલ્મ નિર્માતાઓ અને 62 ડેબ્યુ દિગ્દર્શકોની કૃતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. ‘ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો’ની છઠ્ઠી આવૃત્તિમાં 13 અલગ-અલગ ક્ષેત્રોમાંથી પસંદ કરાયેલા 100 યુવા ફિલ્મ નિર્માતાઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા વિવિધ વિષયો પર 14 માસ્ટરક્લાસ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન સમારોહમાં કાર્તિક આર્યન અને સાઈ પલ્લવી સહિતની ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી હતી. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જ્યુરીના અધ્યક્ષ આનંદ એલ. રાય અને અન્ય જ્યુરી સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન પેનોરમા ફીચર ફિલ્મ વિભાગના અધ્યક્ષ મધુર ભંડારકર તથા નોન-ફીચર ફિલ્મ વિભાગના અધ્યક્ષ હિમાંશુ શેખર ખટુઆનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં સાંસદ સદાનંદ મ્હાલુ શેત તનવડે, ગોવાના મુખ્ય સચિવ વી. કાંડાવેલો, પ્રસાર ભારતીના અધ્યક્ષ પ્રસૂન જોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં સંગીત અને નૃત્યની પ્રસ્તુતિઓએ પણ આકર્ષણ જમાવ્યું હતું. ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજના નેતૃત્વમાં સિમ્ફોનિક ઓર્કેસ્ટ્રાએ ‘એ વર્લ્ડ ઓફ સિનેમા થ્રુ મ્યુઝિક’ થીમ પર સંગીતમય પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ દેશોની સંસ્કૃતિ અને વાર્તા કહેવાની પરંપરાઓને સંગીતના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. ‘મ્યુઝિક વિથાઉટ બોર્ડર્સ’ નામના આંતરરાષ્ટ્રીય સંગીત સહયોગમાં પણ અલગ-અલગ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ‘બિયોન્ડ ધ ફ્રેમ’ નામની વિશેષ નૃત્ય પ્રસ્તુતિમાં મહોત્સવના પ્રતીક મયૂરને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ 20મું WAVES ફિલ્મ બજાર પણ 20 નવેમ્બર, 2026ના રોજ IFFIની સાથે ગોવામાં શરૂ થયું હતું. ભારતીય સિનેમાને વૈશ્વિક તકો સાથે જોડવાના બે દાયકાની ઉજવણી કરતાં આ બજારની શરૂઆત એક વિશેષ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિથી કરવામાં આવી હતી. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) દ્વારા આયોજિત WAVES ફિલ્મ બજારની શરૂઆત વર્ષ 2007માં 18 દેશોના 204 પ્રતિનિધિઓ સાથે થઈ હતી. હવે તેમાં 40થી વધુ દેશોના 2,500થી વધુ ફિલ્મ વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે. આ મંચ ફિલ્મ નિર્માણ, સહ-નિર્માણ, નાણાકીય સહાય, નેટવર્કિંગ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. આ રીતે IFFI 2026 માત્ર ફિલ્મો દર્શાવવાનો મહોત્સવ નથી, પરંતુ વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને સર્જનાત્મક પ્રતિભાઓને એકસાથે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ બની રહ્યો છે. ‘સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ’ની થીમ સાથે ગોવામાં શરૂ થયેલો આ નવ દિવસીય મહોત્સવ વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓની વાર્તાઓને એક જ પડદા પર રજૂ કરવાની તક આપશે.