જાણીતી અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટને દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF)ના વર્ષ 2026ના એવોર્ડમાં 'ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવી છે. શુક્રવારે ફેસ્ટિવલના આયોજકોએ આંતરરાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતાઓનાં નામ જાહેર કર્યાં હતાં. સંગીત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મેળવેલી સફળતા અને સાંસ્કૃતિક પ્રભાવ બદલ ટેલર સ્વિફ્ટને આ સન્માન આપવામાં આવશે. જોકે, મુંબઈમાં યોજાનારા એવોર્ડ સમારોહમાં તે હાજરી આપશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ફેસ્ટિવલના આયોજકોના જણાવ્યા અનુસાર, ટેલર સ્વિફ્ટની અસાધારણ સંગીત પ્રતિભા, ગીતલેખન, વૈશ્વિક સાંસ્કૃતિક પ્રભાવ અને લાઇવ કોન્સર્ટના ક્ષેત્રમાં તેના યોગદાનને ધ્યાનમાં રાખીને તેની પસંદગી કરવામાં આવી છે. સંગીતની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરનાર ટેલર સ્વિફ્ટે વિશ્વભરમાં મોટી સંખ્યામાં ચાહકો મેળવ્યા છે. હવે ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન આપવામાં આવશે.
દરમિયાન, ટેલર સ્વિફ્ટે તાજેતરમાં 13 વર્ષના લાંબા અંતરાલ બાદ કન્ટ્રી મ્યુઝિક એસોસિએશન (CMA) એવોર્ડ્સના મંચ પર વાપસી કરી હતી. બુધવારે યોજાયેલા આ સમારોહમાં તેણે પોતાનું નવું કન્ટ્રી ગીત 'આઈ ન્યૂ યુ, આઈ ન્યૂ યુ' રજૂ કર્યું હતું. આ ઉપરાંત, ગાયક કીથ અર્બન સાથે મળીને તેણે વર્ષ 2007નું લોકપ્રિય ગીત 'અવર સોંગ' પણ રજૂ કર્યું હતું. બંનેના પર્ફોર્મન્સને દર્શકોએ પસંદ કર્યું હતું.
ટેલર સ્વિફ્ટનું નવું ગીત 2026ના CMA એવોર્ડ્સમાં 'સિંગલ ઓફ ધ યર' કેટેગરીમાં નોમિનેટ થયું હતું. જોકે, આ કેટેગરીમાં તેને એલા લેંગલીના ગીત 'ચૂઝિન ટેક્સાસ' સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં, 13 વર્ષ બાદ CMA એવોર્ડ્સના મંચ પર તેની વાપસીએ સંગીતપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
DPIFF દ્વારા ટેલર સ્વિફ્ટ ઉપરાંત ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તીઓને પણ સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. હોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક જેમ્સ કેમરૂનને ફિલ્મ નિર્માણમાં ટેકનિકલ પ્રયોગો અને નવીનતા લાવવા બદલ 'ગ્લોબલ સિનેમા ઓનર' એવોર્ડ આપવામાં આવશે.
આયોજકોના જણાવ્યા અનુસાર, જેમ્સ કેમરૂને ફિલ્મ 'ધ એબીસ' દ્વારા મુખ્યધારાના સિનેમામાં કમ્પ્યુટર-જનરેટેડ ઈમેજરી (CGI)ની શક્યતાઓને નવી દિશા આપી હતી. ત્યારબાદ 'ટર્મિનેટર 2: જજમેન્ટ ડે' અને 'અવતાર' જેવી ફિલ્મોમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તથા પર્ફોર્મન્સ-કેપ્ચર ટેકનિકનો ઉપયોગ કરીને તેમણે પડદા પર અનોખી કાલ્પનિક દુનિયા ઊભી કરી હતી. ખાસ કરીને 'અવતાર'માં પેન્ડોરાની દુનિયાને જીવંત બનાવવામાં તેમની ટેકનિકલ કુશળતાની મહત્ત્વની ભૂમિકા રહી હતી.
આ ઉપરાંત, દિગ્દર્શક પોલ થોમસ એન્ડરસનને તેમની ફિલ્મ 'વન બેટલ આફ્ટર અનધર' માટે ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવશે. અભિનેતા માઈકલ બી. જોર્ડનને ફિલ્મ 'સિનર્સ' અને અભિનેત્રી જેસી બકલીને ફિલ્મ 'હેમ્નેટ' માટે ઇન્ટરનેશનલ બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ રીતે વર્ષ 2026ના DPIFF એવોર્ડ્સમાં સંગીત અને સિનેમા જગતની અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે. ટેલર સ્વિફ્ટની પસંદગી આ સમારોહનું ખાસ આકર્ષણ બની છે. હવે તે મુંબઈમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપે છે કે નહીં તેના પર ચાહકોની નજર રહેશે.