ખાલિસ્તાની અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાની અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિનાની જેલની સજા ફટકારી છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં શુક્રવારે આશરે 80 મિનિટ સુધી ચાલેલી સુનાવણી બાદ જજ વિક્ટર મારેરોએ આ ચુકાદો સંભળાવ્યો હતો. 55 વર્ષીય નિખિલ ગુપ્તાએ આ વર્ષની શરૂઆતમાં પોતાની સામેના ત્રણ ગંભીર આરોપોનો સ્વીકાર કર્યો હતો. તેમાં હત્યા માટે સોપારી આપવી, હત્યાનું કાવતરું ઘડવું અને મની લોન્ડરિંગના આરોપોનો સમાવેશ થાય છે. આ તમામ આરોપો વર્ષ 2023માં ન્યૂયોર્કમાં પન્નુની હત્યા કરવાની યોજનાથી જોડાયેલા હતા.
અમેરિકાની તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યાની યોજનાને અંજામ આપવા માટે કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં સહ-આરોપી વિકાસ યાદવના કહેવાથી ગુપ્તાએ હત્યા માટે શૂટરની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેણે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જેને તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો અને શૂટરની વ્યવસ્થા કરી શકે તેવી વ્યક્તિ માનતો હતો. જોકે, હકીકતમાં આ વ્યક્તિ અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) એજન્સીનો ગુપ્ત બાતમીદાર હતો.
તપાસમાં સામે આવેલા આરોપો મુજબ, પન્નુની હત્યા માટે એક લાખ અમેરિકી ડોલરની સોપારી નક્કી કરવામાં આવી હતી. 9 જૂન, 2023ના રોજ આ સોદાના ભાગરૂપે 15 હજાર ડોલરની રોકડ રકમ એડવાન્સ તરીકે અંડરકવર અધિકારીને આપવામાં આવી હતી. અમેરિકી તપાસ એજન્સીઓ સમગ્ર વાતચીત અને નાણાકીય લેવડદેવડ પર નજર રાખી રહી હતી. આ રીતે હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો હતો અને નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી.
સજા સંભળાવવામાં આવે તે પહેલાં નિખિલ ગુપ્તાએ કોર્ટને એક અંગત પત્ર આપ્યો હતો. આ પત્રમાં તેમણે પોતાના કૃત્ય બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. ગુપ્તાએ લખ્યું હતું કે, "કાશ હું સમયમાં પાછળ જઈને 2023માં મારાથી થયેલી ભૂલો સુધારી શકતો." તેમણે જણાવ્યું હતું કે 2023ની શરૂઆતમાં તેઓ પરિવારથી દૂર થઈ ગયા હતા અને દરરોજ રાત્રે વધુ પડતો દારૂ પીવાની આદત પડી ગઈ હતી. પોતાના પરિવાર અને આસપાસના લોકોને પહોંચેલી પીડા બદલ પણ તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં કોઈનો જીવ ગયો નથી કે કોઈ વ્યક્તિ ઘાયલ થઈ નથી તે બદલ તેમણે ઈશ્વરનો આભાર માન્યો હતો.
આ સુનાવણી દરમિયાન ગુરપતવંત સિંહ પન્નુએ પણ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અમેરિકન અને કેનેડિયન નાગરિકત્વ ધરાવતા પન્નુએ દાવો કર્યો હતો કે તેમની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ જીવના જોખમને કારણે તેઓ 1,200થી વધુ દિવસથી પોતાની નિયમિત કાયદાકીય પ્રેક્ટિસ કરી શક્યા નથી. પન્નુ ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા છે અને ભારત સરકારે તેમને આતંકવાદી જાહેર કર્યા છે.
સુનાવણી પહેલાં કોર્ટ પરિસરની બહાર પન્નુના કેટલાક સમર્થકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. પ્રદર્શન દરમિયાન નિખિલ ગુપ્તા અને અન્ય આરોપીઓનાં પૂતળાં દર્શાવવામાં આવ્યાં હતાં. આ કેસમાં અમેરિકન ફરિયાદીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અંગે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ હતી. હવે નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિનાની સજા ફટકારવામાં આવતાં આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ ન્યાયિક કાર્યવાહી પૂર્ણ થઈ છે.