વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં વોર્ડ નંબર ૧૬ની કચેરીની નજીક જ પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણીનો બેફામ વેડફાટ થયો છે. પાલિકાની વોર્ડ ઓફિસના નાક નીચે જ બનેલી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારના મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહી રહ્યું છે, જેના પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દક્ષિણ વડોદરામાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે. એક તરફ નાગરિકોને અપૂરતું અને દૂષિત પાણી મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પીવાલાયક પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આ અંગે પાલિકા તંત્ર અને સ્થાનિક સત્તાધીશોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા માત્ર થીંગડા મારીને કામચલાઉ સમારકામ કરી સંતોષ માની લેવામાં આવે છે, જેના કારણે થોડા જ દિવસોમાં ફરીથી લાઈન લીકેજ થવાની સમસ્યા સર્જાય છે.
હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે નાગરિકોમાં એવો આક્રોશ જોવા મળી રહ્યો છે કે તંત્ર વેરો વસૂલવામાં જેટલી તત્પરતા દાખવે છે, તેટલી ગંભીરતા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં દાખવતું નથી. પાણીનો આટલો મોટો વેડફાટ અટકાવવામાં નિષ્ફળ ગયેલા પાલિકા તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગાજરાવાડીના રહીશો હવે આ સમસ્યાનું માત્ર કામચલાઉ સમારકામ નહીં, પરંતુ વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે.