( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૮
દાહોદ જિલ્લાના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી વિદેશી અને દેશી દારૂના જથ્થા સાથે મહિસાગર જિલ્લાના એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રિંક એન્ડ ડ્રાઇવ તથા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, સુખસર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સતીષભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ મછાર સહિતનો પોલીસ સ્ટાફ તા .૧૬ નવેમ્બર ૨૦૨૬ ના રોજ સાંજના સુમારે બલૈયા ક્રોસિંગ ખાતે વાહન ચેકિંગની નિયમિત કામગીરીમાં હતા.તેવા સમયે દાહોદ તરફથી આવી રહેલી એક સફેદ રંગની અર્ટિગા કાર નંબર જીજે-૩૫-એચ-૬૬૨૫ ને શંકાના આધારે રોકીને તલાશી લેવામાં આવી હતી. ત્યારે ડ્રાઇવર સાઈડની બાજુની સીટ નીચે મૂકેલી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા દેશી મદિરા મળી આવ્યા હતા.જેમાં કાઉન્ટી ક્લબ ડિલક્સ વ્હીસ્કી (૧૮૦ મિ.લી. ના ૧૦ ક્વાર્ટર્સ)પ્રિન્સ દેશી મદિરા (૧૮૦ મિ.લી. ના ૧૦ ક્વાર્ટર્સ)રોયલ સ્ટેગ ડિલક્સ વ્હીસ્કી (૩૭૫ મિ.લી. નો ૧ ક્વાર્ટર) આમ, કુલ ૨૧ બોટલ/ક્વાર્ટર્સ (કુલ ૩.૯૭૫ લિટર) દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત રૂ. ૧,૪૮૦/- આંકવામાં આવી છે.
પકડાયેલ કાર ચાલક તરુણકુમાર પ્રભુદાસ માછી રહે.કેવ,તા. લુણાવાડા,જિ.મહિસાગરનો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ શખ્સ એલ એન્ડ ટી ફાઇનાન્સમાં સંતરામપુર ટેરિટરી મેનેજર તરીકે નોકરી કરે છે.અને સંતરામપુર,ફતેપુરા,સુખસર, સંજેલી તથા મોરવા હડફ શાખાઓમાં ફરજ બજાવે છે.
સુખસર પોલીસે આ પ્રકરણે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.