ચૂનો ચોપડયો
તાજ વિવાંતા હોટલમાં મિટિંગ બોલાવી મેમ્બરશિપન
વડોદરા, તા. 18
ફાઇવ સ્ટાર હોટલમાં પરિવાર સાથે વેકેશન માણવું હોય તો મેમ્બરશિપ લો અને વર્ષો સુધી મોજ કરો આવી આકર્ષક ઓફર આપીને ત્રણ પરિવારોને વેકેશનનાં સપનાં બતાવાયાં, પરંતુ હકીકતમાં ન તો હોટલમાં રોકાણ મળ્યું કે ન તો ચૂકવેલા રૂપિયા પરત મળ્યા. વડોદરામાં ગ્લોબલ ગેટવે રિસોર્ટ નામની કંપની સામે રૂ.5.21 લાખની છેતરપિંડી કરાઈ છે. પાંચથી દસ વર્ષ સુધી દેશ અને એશિયાની ફાઇવ સ્ટાર હોટલોમાં રહેવાની સુવિધાના વાયદા સાથે ત્રણ પરિવારો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જોકે, બુકિંગ માટે સંપર્ક કરતાં કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળતાં અને મેમ્બરશિપ રદ કર્યા બાદ પણ રિફંડ નહીં મળતાં મામલો અકોટા પોલીસ મથકે પહોંચ્યો છે.
ગોત્રી-સેવાસી કેનાલ રોડ પર રાધેશ્યામ હાર્મનીમાં રહેતાં રિચાબેન જોષીને 15 માર્ચ, 2026ના રોજ ગ્લોબલ ગેટવે રિસોર્ટમાંથી ફોન આવ્યો હતો. અકોટાની તાજ વિવાંતા હોટલમાં મિટિંગ માટે બોલાવી દસ વર્ષ સુધી સમગ્ર ભારતમાં ફાઇવ સ્ટાર રિસોર્ટમાં રોકાણની સુવિધા આપવાની ઓફર કરવામાં આવી હતી. રૂ.3.05 લાખનું પેકેજ સમજાવી ક્રેડિટ કાર્ડથી જ પેમેન્ટ કરવાનું કહેતાં તેમણે HDFC ક્રેડિટ કાર્ડથી સંપૂર્ણ રકમ ચૂકવી હતી. જોકે, લાખો રૂપિયા ચૂકવ્યા બાદ પણ તેમને એક પણ રાત્રિના રોકાણની સુવિધા મળી નહોતી.
પલ્લવી મુન્દ્રાને પાંચ વર્ષના પેકેજમાં દર વર્ષે સાત દિવસ ઉપરાંત પાંચ દિવસના બોનસ
ગોરવા કેનાલ રોડ પર રહેતાં પલ્લવી મુન્દ્રાને પાંચ વર્ષના પેકેજમાં દર વર્ષે સાત દિવસ ઉપરાંત પાંચ દિવસના બોનસ વેકેશનની લાલચ આપવામાં આવી હતી. આ માટે તેમની પાસેથી રૂ.1.06 લાખ વસૂલવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં ગોવા વેકેશન દરમિયાન પણ વચન મુજબની સુવિધા ન મળતાં તેમણે મેમ્બરશિપ રદ કરી રિફંડ માગ્યું હતું.
આ ઉપરાંત વાસણા-ભાયલી રોડ પર રહેતાં ધારાબેન દરજી પાસેથી 40 રાત્રિના રોકાણના પેકેજ પેટે રૂ.1.31 લાખ લેવામાં આવ્યા હતા. તેમણે હોટલ બુકિંગ માટે વારંવાર ઇમેઇલ કર્યા હોવા છતાં કંપની તરફથી યોગ્ય પ્રતિસાદ કે રોકાણની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ત્રણેય પરિવારો માટે વેકેશનની ખુશી મેળવવા કરેલું લાખોનું રોકાણ માથાનો દુખાવો બની ગયું હતું. મેમ્બરશિપ કેન્સલ કરવા અને રિફંડ મેળવવા માટે વોટ્સએપ, ઇમેઇલ તેમજ કંપનીની ઓફિસે રૂબરૂ રજૂઆતો કરવા છતાં નાણાં પરત મળ્યાં નહોતાં. આખરે રિચાબેન જોષીએ કંપનીના માલિક અમિત અમરકૃષ્ણ ગોસ્વામી વિરુદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.