દિલ્હીની ભાજપ સરકારે સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવતા નાગરિકો માટે આધાર કાર્ડના વિકલ્પ તરીકે અન્ય ઓળખપત્રોને પણ માન્યતા આપવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારના નવા નોટિફિકેશન મુજબ, હવે યુનિફાઇડ સિટિઝન ડેટા પ્લેટફોર્મ (UCDP) હેઠળ ઓળખની ચકાસણી માટે માત્ર આધાર કાર્ડ પર નિર્ભર રહેવું પડશે નહીં. જો કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય અથવા ટેક્નિકલ કારણોસર તેનું ઓનલાઇન વેરિફિકેશન ન થઈ શકે, તો તે અન્ય માન્ય ફોટો ઓળખપત્ર રજૂ કરીને પોતાની ઓળખ સાબિત કરી શકશે.
નવા નિયમ મુજબ, આધાર કાર્ડના વિકલ્પ તરીકે મતદાર ઓળખપત્ર (વોટર ID), ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અથવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું અન્ય કોઈપણ ફોટો ઓળખપત્ર રજૂ કરી શકાશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આધાર ઓથેન્ટિકેશન સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે. એટલે કે, કોઈ નાગરિકની સંમતિ લીધા વિના તેનું આધાર વેરિફિકેશન કરી શકાશે નહીં. જો કોઈ વ્યક્તિ આધાર દ્વારા ઓળખની ચકાસણી કરાવવા ઇચ્છતી ન હોય અથવા કોઈ કારણસર તે શક્ય ન બને, તો તેને માત્ર આ કારણે સંબંધિત સરકારી સેવા કે લાભથી વંચિત રાખી શકાશે નહીં.
આ નવી વ્યવસ્થા દિલ્હી સરકારના IT વિભાગ દ્વારા યુનિફાઇડ સિટિઝન ડેટા પ્લેટફોર્મ (UCDP) અંતર્ગત લાગુ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવાનો, ડિજિટલ માધ્યમથી સુશાસનને પ્રોત્સાહન આપવાનો અને સામાજિક કલ્યાણની યોજનાઓમાં થતી ગેરરીતિઓ તથા લાભોના ખોટા ઉપયોગને અટકાવવાનો છે. આ માટે આધારનો ઉપયોગ એક વિકલ્પ તરીકે કરવામાં આવશે, પરંતુ તેને એકમાત્ર ઓળખપત્ર બનાવવામાં આવ્યું નથી. નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આધાર વેરિફિકેશન માટે નાગરિકની સંમતિ લેવી જરૂરી રહેશે અને તેની સાથે અન્ય માન્ય ઓળખપત્રોના વિકલ્પ વિશે પણ જાણ કરવી પડશે. આથી આધાર કાર્ડ ન ધરાવતા અથવા ઓનલાઇન વેરિફિકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકોને સરકારી સેવાઓ મેળવવામાં રાહત મળી શકે છે.
જોકે, આ નિર્ણયનો અર્થ એવો નથી કે આધાર કાર્ડનું મહત્ત્વ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે અથવા દેશની તમામ સરકારી યોજનાઓમાં હવે આધારની જરૂરિયાત દૂર થઈ ગઈ છે. દિલ્હી સરકારનું આ નોટિફિકેશન ખાસ કરીને UCDP હેઠળ થનારા આધાર ઓથેન્ટિકેશન અને ઓળખની ચકાસણી માટે લાગુ પડે છે. અન્ય યોજનાઓ અને સેવાઓ માટેના નિયમો અલગ હોઈ શકે છે. આમ, આ નિર્ણયથી આધારને એકમાત્ર ઓળખના માધ્યમ તરીકે ઉપયોગ કરવાની જગ્યાએ નાગરિકોને વૈકલ્પિક ઓળખપત્રો દ્વારા પણ પોતાની ઓળખ સાબિત કરવાની તક મળશે.