નેપાળના મકવાનપુર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. છઠ પર્વની ઉજવણી કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અચાનક ચાલકના કાબૂ બહાર જતાં આશરે 400 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર સહિત 14 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 6 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ખીણમાં ખાબકેલી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ છ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત અંગે વધુ વિગતો સામે આવી નથી.
હાલમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરીને તેમને દુર્ઘટનાની જાણ કરવામાં આવી રહી છે. છઠ પર્વની ઉજવણી માટે નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે બનેલી આ દુર્ઘટનાથી શોકનો માહોલ છવાયો છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.