પ્રકાશ અને ઉત્સાહના પર્વ દિવાળીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં આગના બનાવોની વણઝાર જોવા મળી હતી. ફટાકડાના તણખા, રોકેટ અને શોર્ટ સર્કિટ સહિતનાં કારણોસર શહેરના અનેક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. રહેણાંક મકાનો, દુકાનો, બાલ્કની, કચરાના ઢગલા અને ખુલ્લા પ્લોટમાં આગ લાગતાં સુરત મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ તંત્ર આખી રાત સતત દોડતું રહ્યું હતું. દિવાળીની એક જ રાત્રિ દરમિયાન શહેરમાં કુલ 94 સ્થળોએ આગના બનાવો નોંધાયા હતા. જ્યારે છેલ્લા 20 કલાકના સમયગાળામાં ફાયર કંટ્રોલ રૂમને આગ અને ઇમરજન્સી સંબંધિત કુલ 150 કોલ મળ્યા હતા. સતત ઇમરજન્સી કોલના પગલે ફાયર વિભાગની અલગ-અલગ ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા કામે લાગી હતી. સદનસીબે ફાયર જવાનોની સમયસર કામગીરીને કારણે કોઈ પણ ઘટનામાં જાનહાનિ થઈ નહોતી.
દિવાળીની મોડી સાંજથી લઈને વહેલી સવાર સુધી ફાયર વિભાગને સતત કોલ મળતા રહ્યા હતા. ફટાકડાના તણખા અને રોકેટના કારણે અનેક સ્થળોએ કચરાના ઢગલા, મકાનોની બાલ્કની, દુકાનો અને ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી. આ ઉપરાંત શોર્ટ સર્કિટ સહિતનાં કારણોસર પણ આગના બનાવો સામે આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કેટલીક જગ્યાએ આગ નાની હોવા છતાં તેને ફેલાતી અટકાવવા ફાયર જવાનોએ સમયસર કામગીરી કરી હતી. સતત દોડધામ વચ્ચે ફાયર વિભાગે તમામ ઇમરજન્સી કોલને પહોંચી વળવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ ઘટનાઓમાં કોઈ નાગરિક દાઝ્યો કે ઇજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ નથી.
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવોની સરખામણી કરવામાં આવે તો છેલ્લા છ વર્ષના આંકડામાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. વર્ષ 2021માં દિવાળીની રાત્રે આગના સૌથી વધુ 153 કોલ નોંધાયા હતા. વર્ષ 2022માં આ આંકડો ઘટીને 53 થયો હતો, જે આ સમયગાળાનો સૌથી ઓછો આંકડો હતો. જોકે, 2023માં ફરી આગના બનાવોમાં વધારો થયો હતો અને 125 કોલ નોંધાયા હતા. વર્ષ 2024માં 120 અને 2025માં 105 કોલ નોંધાયા હતા. જ્યારે 2026માં દિવાળીની રાત્રે 94 આગના બનાવો નોંધાયા છે. ગત વર્ષોની સરખામણીએ આ આંકડો ઓછો હોવા છતાં છેલ્લા 20 કલાકમાં કુલ 150 આગ અને ઇમરજન્સી કોલ મળતાં ફાયર વિભાગ આખો સમય સતર્ક રહ્યું હતું.