ગુજરાતમાં દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે આગ, અકસ્માત અને અન્ય ઇમરજન્સી ઘટનાઓમાં મોટો વધારો નોંધાયો છે. ફટાકડા ફોડવા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી લઈને વાહન અકસ્માત, જાહેરમાં ઝઘડા અને હુમલાના બનાવો સુધી અનેક પ્રકારની ઇમરજન્સી સામે આવી હતી. '112' અને '108' ઇમરજન્સી સેવાઓના આંકડા પ્રમાણે, સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે આગ લાગવાની ઘટનાઓમાં 565.45 ટકાનો જંગી વધારો થયો હતો. રાજ્યભરમાં આગ લાગવાના કુલ 366 બનાવો નોંધાયા હતા, જેમાં સુરત અને અમદાવાદ સૌથી આગળ રહ્યાં હતાં. આ ઉપરાંત ફટાકડા કે અન્ય કારણોસર દાઝી જવાના 62 લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી.
112 ઇમરજન્સી સેવા પર નોંધાયેલા આગના 366 બનાવોમાં સુરત શહેર 82 ઘટનાઓ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યું હતું. અમદાવાદ શહેરમાં આગ લાગવાના 56 અને રાજકોટમાં 44 બનાવો નોંધાયા હતા. આ ઉપરાંત સુરત ગ્રામ્ય વિસ્તારમાં 37, વડોદરા શહેરમાં 22 અને જામનગરમાં 14 ઘટનાઓ સામે આવી હતી. ગાંધીનગર અને કચ્છ પૂર્વમાં 12-12, જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 11 સ્થળોએ આગ લાગી હતી. આ આંકડા દર્શાવે છે કે દિવાળીના દિવસે રાજ્યનાં અનેક શહેરો અને વિસ્તારોમાં આગની ઘટનાઓએ ફાયર વિભાગ અને ઇમરજન્સી સેવાઓને સતત દોડતા રાખ્યા હતા.
દિવાળીના તહેવાર દરમિયાન દાઝી જવાના કુલ 62 ઇમરજન્સી કોલ 108 સેવાને મળ્યા હતા. તેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 13 લોકો દાઝ્યા હતા. સુરતમાં 12 લોકો દાઝી જવાના બનાવો નોંધાયા હતા. કચ્છ અને રાજકોટમાં પાંચ-પાંચ, જ્યારે ગાંધીનગર અને વડોદરામાં ચાર-ચાર લોકોને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત આણંદ, ભાવનગર, જામનગર, નર્મદા, તાપી અને વલસાડમાં બે-બે કેસ નોંધાયા હતા. ફટાકડા ફોડતી વખતે થતી બેદરકારી અને આગની ઘટનાઓને કારણે અનેક લોકોને દાઝવાની ઇજાઓ પહોંચી હતી.
આગની ઘટનાઓ ઉપરાંત 112 હેલ્પલાઇન પર મળતા અન્ય ઇમરજન્સી કોલમાં પણ વધારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં 112 હેલ્પલાઇન પર સરેરાશ 3,610 કોલ આવતા હોય છે, જ્યારે દિવાળીના દિવસે આ સંખ્યા વધીને 5,651 થઈ હતી. એટલે કે સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કોલમાં 56.54 ટકાનો વધારો નોંધાયો હતો. જાહેરમાં ઝઘડાના બનાવો સામાન્ય દિવસોમાં 967 નોંધાતા હતા, જે દિવાળીના દિવસે વધીને 1,651 થયા હતા. આમ, તેમાં 62.67 ટકાનો વધારો થયો હતો. હુમલાની ઘટનાઓ પણ 617થી વધીને 1,104 થઈ હતી, જે 78.93 ટકાનો વધારો દર્શાવે છે.
દિવાળીના દિવસે અવાજના પ્રદૂષણને લગતી ફરિયાદોમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં આવા 119 કોલ આવતા હતા, જે વધીને 363 થયા હતા. એટલે કે 205.04 ટકાનો વધારો નોંધાયો હતો. ઘરેલું હિંસાના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં 57 ફરિયાદોની સરખામણીએ દિવાળીના દિવસે 101 કેસ નોંધાયા હતા. આ રીતે ઘરેલું હિંસાના બનાવોમાં 77.19 ટકાનો વધારો થયો હતો. તહેવારની ઉજવણી દરમિયાન જાહેર વ્યવસ્થા જાળવવાની સાથે પોલીસ અને ઇમરજન્સી સેવાઓએ આ પ્રકારની ફરિયાદોનો પણ સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ, 108 એમ્બ્યુલન્સ સેવાને દિવાળીના દિવસે કુલ 5,934 મેડિકલ ઇમરજન્સી કોલ મળ્યા હતા. સામાન્ય દિવસોમાં સરેરાશ 5,246 કોલ મળતા હોય છે. તેની સરખામણીએ દિવાળીના દિવસે 13.12 ટકાનો વધારો નોંધાયો હતો. આમાં સૌથી મોટો ઉછાળો વાહન અકસ્માતના કેસોમાં જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતના 646 કેસ નોંધાતા હતા, જ્યારે દિવાળીના દિવસે આ સંખ્યા વધીને 1,212 થઈ હતી. આમ, અકસ્માતના કેસોમાં 87.49 ટકાનો વધારો થયો હતો. વાહન અકસ્માત સિવાય અન્ય રીતે ઇજા થવાના બનાવોમાં પણ 75.17 ટકાનો વધારો નોંધાયો હતો.
દિવાળીની રાત્રે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં આગની ગંભીર ઘટનાઓ પણ સામે આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મહુવા રોડ પર નવા બસ સ્ટેન્ડ સામે આવેલા વજનકાંટાના કારખાનામાં ફટાકડાને કારણે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કારખાનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગોધરા-દાહોદ રોડ પર આવેલા પુઠ્ઠાના ગોડાઉનના ત્રીજા માળે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમયસર કાર્યવાહી થતાં મોટી જાનમાલની હોનારત ટળી હતી. આ ઉપરાંત છોટાઉદેપુરના કિલ્લા વિસ્તારમાં આવેલા PWDના કમ્પાઉન્ડમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગે આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો હતો. આમ, દિવાળીના દિવસે રાજ્યભરમાં આગ અને અન્ય ઇમરજન્સી ઘટનાઓમાં થયેલો વધારો તહેવારો દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર દર્શાવે છે.