રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે તેમનો એજન્ડા પૂરો કરવા માટે લગભગ બે મહિનાનો સમય છે. રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસના બંને ગૃહોમાં બહુમતી ગુમાવી દીધી છે જોકે નવી કોંગ્રેસ કાર્યભાર સંભાળે ત્યાં સુધી વર્તમાન કાયદા ઘડનારાઓ (સાંસદો) તેમનું કામ ચાલુ રાખશે.
યુ.એસ. કોંગ્રેસનું નવું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. ટ્રમ્પ માટે આ એક નિર્ણાયક સમયગાળો છે, કારણ કે ૩ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ નવી કોંગ્રેસ—જેમાં ડેમોક્રેટિક પક્ષની બહુમતી હશે જે સત્તા સંભાળશે. તે તારીખ પછી ટ્રમ્પને તેમના નિર્ણયો લાગુ કરવામાં વિરોધનો સામનો કરવો પડશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ટ્રમ્પ આગામી બે મહિનામાં મહત્વપૂર્ણ નિર્ણયોને આગળ વધારવા અને આવશ્યક કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરી શકે છે.
1. ઈરાન સાથેના સંઘર્ષ માટે વધારાનું ભંડોળ મેળવવાની તૈયારી
ઈરાન સાથેનો સંઘર્ષ ટ્રમ્પ માટે એક મુખ્ય મુદ્દો છે. આ સંઘર્ષને કારણે યુ.એસ.ના લશ્કરી ખર્ચમાં વધારો થયો છે. જો લશ્કરી કામગીરી ચાલુ રહે છે તો શસ્ત્રો, સૈનિકો અને લશ્કરી સાધનો પાછળ વધુ ખર્ચની જરૂર પડી શકે છે. પરિણામે રિપબ્લિકન સાંસદો ઈરાન સાથેના સંઘર્ષ માટે વધારાનું ભંડોળ પૂરું પાડવા માટે એક નવા બજેટ પેકેજ પર વિચાર કરી રહ્યા છે.
2. સંરક્ષણ અને લશ્કર સંબંધિત કાયદાઓને મંજૂરી આપવી
રિપબ્લિકન સાંસદો સંરક્ષણ સંબંધિત કાયદાઓને મંજૂરી અપાવવાનું લક્ષ્ય ધરાવે છે. આમાં સશસ્ત્ર દળોની જરૂરિયાતો, નવા શસ્ત્રોની ખરીદી અને લશ્કરી કાર્યક્રમો માટે ભંડોળની ફાળવણી જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે જે યુ.એસ. લશ્કરની કામગીરી અને સંરક્ષણ પહેલોને આગળ વધારવામાં મદદરૂપ થશે.
૩. આગામી વર્ષ માટે સરકારી બજેટ પસાર કરવું
રિપબ્લિકન સાંસદો માટે એક મુખ્ય પ્રાથમિકતા આગામી નાણાકીય વર્ષ માટે ફેડરલ બજેટ પસાર કરવાની છે. આમાં લશ્કર, સરકારી એજન્સીઓ અને અન્ય વિવિધ કાર્યક્રમો માટેના ખર્ચની રૂપરેખા હશે. સાંસદો નવી કોંગ્રેસ કાર્યભાર સંભાળે તે પહેલાં બજેટને આખરી ઓપ આપવા માંગે છે.
૪. ખેડૂતો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે સમર્થન ચાલુ રાખવું
યુ.એસ. કોંગ્રેસે ખેડૂતો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટેના કાર્યક્રમો અંગે પણ નિર્ણયો લેવાના છે. આમાં ખેડૂતો માટે સરકારી આર્થિક સહાય, ખાદ્ય સહાય અને જરૂરિયાતમંદ પરિવારો માટે પોષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. રિપબ્લિકન સાંસદો આ કાર્યક્રમો સંબંધિત કેટલીક જોગવાઈઓને આગળ વધારવાનો પ્રયાસ કરી શકે છે. જો સમયસર મંજૂરી મેળવી શકાતી નથી તો નવી કોંગ્રેસે જાન્યુઆરીમાં આ બાબતો પર ફરીથી વિચારણા કરવી પડશે.
ટ્રમ્પ કોંગ્રેસની મંજૂરી વિના પણ ઘણા પગલાં લઈ શકે છે
કોંગ્રેસમાં બહુમતી ન હોવા છતાં ટ્રમ્પ પાસે એવી વિવિધ સત્તાઓ રહેશે જેનો ઉપયોગ તેઓ પોતાની નીતિઓને અમલમાં મૂકવા માટે કરી શકે છે. દરેક પગલા માટે તેમણે કોંગ્રેસ દ્વારા કાયદો પસાર કરાવવો પડે તે જરૂરી નથી. રોઇટર્સના એક અહેવાલ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્ર એપ્રિલ મહિનાથી જ આ માટે તૈયારી કરી રહ્યું છે. ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર, બજેટ ડાયરેક્ટર રસેલ વોટ અને વ્હાઇટ હાઉસના કાનૂની સલાહકાર સહિતના મુખ્ય અધિકારીઓ એવા વિકલ્પો તપાસી રહ્યા છે જેના દ્વારા ટ્રમ્પ કોંગ્રેસમાં ડેમોક્રેટિક બહુમતી હોવા છતાં પણ પોતાનો એજન્ડા આગળ વધારી શકે.