ઉત્તર પ્રદેશમાં દિવાળીની રાતે જ હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં ભાજપનાં ધારાસભ્ય અર્ચના પાંડેના પારિવારિક ભાઈ અને એડવોકેટ અનુજ કુમાર ચતુર્વેદીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ચૂંટણીની અદાવતને આ હત્યા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને દિવાળીની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી.
આ કેસમાં કોંગ્રેસના જિલ્લા મહાસચિવ અમૂલ દીક્ષિત પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે અનુજ કુમાર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, ઘટના બાદથી અમૂલ દીક્ષિત ફરાર હોવાનું જણાવાયું છે. પોલીસે આરોપીની શોધખોળ અને હત્યા પાછળનું કારણ જાણવા તપાસ તેજ કરી છે. મળતી માહિતી મુજબ, દિવાળીની રાતે છિબરામઉ પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. એડવોકેટ અનુજ કુમાર ચતુર્વેદી પર અચાનક ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક રીતે આ હત્યા પાછળ ચૂંટણીની જૂની અદાવત હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય સાથે પારિવારિક સંબંધ ધરાવતા અનુજ કુમારની હત્યામાં કોંગ્રેસના સ્થાનિક નેતાનું નામ સામે આવતાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ માટે પાંચ અલગ-અલગ ટીમો તહેનાત કરી છે. ફરાર આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ ઊભો કર્યો છે.