દિવાળીની રાત્રે દેશના વિવિધ શહેરોમાં ફટાકડા અને અન્ય કારણોસર લાગેલી આગની ઘટનાઓમાં ૨૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો હજુ પણ ગુમ છે. સૌથી વધુ મૃત્યુ મધ્ય પ્રદેશમાં નોંધાયા છે, જ્યાં બે અલગ-અલગ ઘરોમાં લાગેલી આગમાં ૧૩ લોકોનાં મોત થયાં છે. દરમિયાન મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કરિયાણાની દુકાનની ઉપર આવેલા મકાનમાં રહેતા એક જ પરિવારના ૬ સભ્યો આગમાં ભડથું થઈ ગયા. મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં બનેલી અન્ય એક ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ ઉપરાંત રાજસ્થાનના પાલીમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગમાં ૨ લોકોનાં મોત થયાં છે અને ૩ લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. આ આગમાં ત્રણ દુકાનો અને અનેક દ્વિચક્રી વાહનો બળીને ખાખ થઈ ગયાં. દિલ્હીના નરેલામાં એક ૧૦ વર્ષના બાળકને 'રોકેટ' ફટાકડો પેટના ભાગે વાગતાં તેનું મૃત્યુ થયું હતું.
મધ્ય પ્રદેશમાં મૃત્યુ પામેલા લોકોમાં 5 મહિલાઓ
મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના ૬ સભ્યોનાં મોત થયાં; જેમાં ૩ બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી એક બાળક માત્ર બે મહિનાનું હતું. આ ઉપરાંત સિઓની જિલ્લામાં એક ઝવેરીના ઘરે લાગેલી આગમાં ૧૬ વર્ષના કિશોર સહિત ૬ લોકોનાં મોત થયાં છે.
ઉત્તર પ્રદેશમાં ૨૫ લાખ રૂપિયાની કિંમતનો ભંગાર બળીને ખાખ
ઉત્તર પ્રદેશના બાંદામાં ભંગારની દુકાનમાં લાગેલી આગને કારણે અંદાજે ૨૦ થી ૨૫ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પુણેમાં આગની ૬૩ ઘટનાઓ નોંધાઈ હતી, જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. જમ્મુના નહેરુ માર્કેટમાં ૧૨થી વધુ દુકાનો આગમાં બળી ગઈ જ્યારે નાગપુરમાં ટીવીએસ (TVS) શોરૂમમાં લાગેલી આગમાં અનેક દ્વિચક્રી વાહનો નાશ પામ્યાં.
મુંબઈના ડોંગરીમાં ઝૂંપડાં બળીને ખાખ
મુંબઈના ડોંગરી વિસ્તારમાં લાગેલી આગમાં અનેક દુકાનો અને ઝૂંપડાં નાશ પામ્યાં હતાં, જ્યારે દાદરમાં કામગર સ્ટેડિયમ ખાતે લાગેલી આગને અગ્નિશામકોએ ૧૭ મિનિટમાં કાબૂમાં લઈ લીધી હતી. મહારાષ્ટ્રના થાણેમાં પણ ૧૭ માળની એક ઈમારતમાં આગ લાગી હતી ત્યાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
આ ઉપરાંત જોનાઈ (આસામ), વડગાંવ શેરી (પુણે), વિદ્યાવિહાર (મુંબઈ), ગંગટોક (સિક્કિમ)માં આવેલા એક સરકારી નિવાસસ્થાન અને ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં પણ આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓ બાદ ફાયર વિભાગ અને પોલીસની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.