પ્રખ્યાત પંજાબી ગાયક દલેર મહેંદીએ ઉત્તરાખંડમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મંત્રી સાથે થયેલા વિવાદ અંગે આખરે મૌન તોડ્યું છે. દિવાળીના અવસરે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને તેમણે મુશ્કેલ સમયમાં સાથ આપનારા પરિવારજનો, ચાહકો અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના લોકોનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે ખાસ કરીને નાના ભાઈ મીકા સિંહે આપેલા સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડના માં કુંજાપુરી પ્રવાસન અને વિકાસ મેળામાં દલેર મહેંદીના પરફોર્મન્સ દરમિયાન વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમમાં હાજર સ્થાનિક મંત્રી સુબોધ ઉનિયાલે ગાયકનું પરફોર્મન્સ અટકાવ્યું હતું. મંત્રીએ દલેર મહેંદી નશાની હાલતમાં હોવાનો અને લાઇવ ગાવાને બદલે લિપ-સિંક કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને પગલે કાર્યક્રમમાં હોબાળો થયો હતો અને મામલો ચર્ચામાં આવ્યો હતો.
હવે આ વિવાદ બાદ પ્રથમ વખત દલેર મહેંદીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. દિવાળીની શુભેચ્છા પાઠવતી પોસ્ટમાં તેમણે લખ્યું કે, આ વર્ષે તેઓ પોતાના જીવનમાં મળેલા પ્રેમ, વિશ્વાસ અને સમર્થન માટે ખૂબ આભારી છે. મુશ્કેલ સમયમાં પરિવાર તેમની સૌથી મોટી તાકાત બન્યો હોવાનું જણાવતાં તેમણે નાના ભાઈ મીકા સિંહનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. દલેર મહેંદીએ જણાવ્યું હતું કે, મીકા સિંહ દરેક મુશ્કેલીમાં તેમની સાથે ઢાલ બનીને ઊભા રહ્યા હતા. જ્યારે પત્ની તરન, પુત્ર ગુરદીપ અને પુત્રીઓએ પ્રેમ અને ધીરજથી તેમને સંભાળ્યા હતા. તેમણે પરિવારની વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે પરિવાર માત્ર એ લોકો નથી જેમની સાથે આપણો જન્મ થયો હોય, પરંતુ મુશ્કેલીના સમયમાં જે લોકો આપણી સાથે મજબૂતીથી ઊભા રહે છે તેઓ પણ પરિવારનો જ ભાગ છે.
ગાયકે વધુમાં જણાવ્યું કે, ચાહકો તરફથી મળેલા પ્રેમ અને વિશ્વાસે તેમના હૃદયમાં એક અનોખો પ્રકાશ પેદા કર્યો છે. જીવનના મુશ્કેલ તબક્કામાં પણ ચાહકોએ તેમનો સાથ છોડ્યો નથી, જે તેમના માટે ખૂબ મોટી વાત છે. દલેર મહેંદીએ કહ્યું કે તેઓ પોતાને નસીબદાર માને છે કે જીવનકાળ દરમિયાન જ તેમને આટલો પ્રેમ અને માન-સન્માન જોવા અને અનુભવવા મળી રહ્યો છે. આ વિવાદ સામે આવ્યા બાદ દલેર મહેંદીના નાના ભાઈ અને જાણીતા ગાયક મીકા સિંહે પણ ખુલ્લેઆમ પોતાના ભાઈનો બચાવ કર્યો હતો. તેમણે મંત્રી સુબોધ ઉનિયાલના આક્ષેપો સામે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ દલેર મહેંદી સાથે વાતચીત કરી હતી. હવે દિવાળીના અવસરે ગાયકે શેર કરેલી આ ભાવુક પોસ્ટ ફરી એકવાર સમગ્ર ઘટનાને ચર્ચામાં લાવી છે.