દિવાળીના તહેવારોને કારણે નવેમ્બર મહિનામાં દેશનાં વિવિધ રાજ્યોમાં બેંકિંગ સેવાઓના સમયપત્રકમાં ફેરફાર જોવા મળશે. 9, 10 અને 11 નવેમ્બર, 2026ના રોજ અલગ-અલગ રાજ્યોમાં વિવિધ તહેવારો અને ધાર્મિક પ્રસંગોને કારણે બેંકો બંધ રહેશે. જોકે, દરેક રાજ્યમાં એક જ દિવસે રજા નહીં હોવાથી બેંકમાં કોઈ જરૂરી કામ હોય તો ઘરેથી નીકળતાં પહેલાં તમારા રાજ્યની રજાઓની યાદી જાણી લેવી જરૂરી છે. દિવાળી, લક્ષ્મી પૂજન, ગોવર્ધન પૂજા, વિક્રમ સંવત નૂતન વર્ષ, ભાઈબીજ અને અન્ય સ્થાનિક તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યવાર રજાઓ નક્કી કરવામાં આવી છે.
9 નવેમ્બર, 2026ના રોજ ત્રિપુરા, મધ્ય પ્રદેશ, ચંડીગઢ, સિક્કિમ, મણિપુર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બેંકો બંધ રહેશે. આ રાજ્યોમાં દિવાળી, લક્ષ્મી પૂજન, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસ નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. આ દિવસે બેંકની શાખાઓમાં સામાન્ય ગ્રાહક સેવાઓ ઉપલબ્ધ નહીં રહે.
10 નવેમ્બર, 2026ના રોજ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને સિક્કિમમાં બેંકોમાં રજા રહેશે. આ રાજ્યોમાં દિવાળી, ગોવર્ધન પૂજા, લક્ષ્મી પૂજન અને વિક્રમ સંવત નૂતન વર્ષના તહેવારોને કારણે બેંકિંગ કામગીરી બંધ રહેશે. ખાસ કરીને ગુજરાતમાં વિક્રમ સંવતના નવા વર્ષની ઉજવણીને કારણે આ દિવસે બેંકની શાખાઓમાં કામકાજ નહીં થાય. તેથી ચેક જમા કરાવવા, રોકડ ઉપાડવા, નાણાં ટ્રાન્સફર સંબંધિત બેંક શાખાનાં કામ કે અન્ય દસ્તાવેજી કામગીરી માટે જતા પહેલાં રજાનું ધ્યાન રાખવું જરૂરી છે.
11 નવેમ્બર, 2026ના રોજ સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે. આ દિવસે ભાઈબીજ, નિંગોલ ચક્કોઉબા અને ચિત્રગુપ્ત જયંતિ નિમિત્તે રજા રાખવામાં આવી છે. આ રીતે ત્રણ દિવસ દરમિયાન દેશનાં અલગ-અલગ રાજ્યોમાં તહેવારો પ્રમાણે બેંકિંગ કામગીરી બંધ રહેશે.
બેંકની રજાઓ અંગે એક મહત્ત્વનો નિયમ પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. ભારતમાં તમામ શેડ્યૂલ્ડ અને નોન-શેડ્યૂલ્ડ બેંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે જાહેર રજા હોય છે. જ્યારે મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે બેંકો સામાન્ય રીતે ખુલ્લી રહે છે અને કામકાજ ચાલુ રહે છે. આ ઉપરાંત દર રવિવારે પણ બેંકો બંધ રહે છે.
બેંકની શાખાઓમાં રજા હોવા છતાં ગ્રાહકોને કેટલીક ડિજિટલ સેવાઓનો લાભ મળતો રહે છે. એટીએમ, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને યુપીઆઈ જેવી સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહે છે. જોકે, ચેક ક્લિયરન્સ અને બેંક શાખા સાથે જોડાયેલી કેટલીક કામગીરી રજાના કારણે પ્રભાવિત થઈ શકે છે. તેથી રોકડ જમા કરાવવા, ચેક સંબંધિત કામ કે અન્ય મહત્ત્વપૂર્ણ વ્યવહાર માટે બેંકમાં જવાનું હોય તો અગાઉથી આયોજન કરવું વધુ યોગ્ય રહેશે. રાજ્યવાર રજાઓ અલગ હોવાથી તમારા વિસ્તારની બેંક શાખાનું સમયપત્રક તપાસ્યા બાદ જ મુલાકાત લેવી.