દિવાળી ભારતનો એવો તહેવાર છે, જે દેશના દરેક ખૂણે આનંદ, ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. દીવાઓની ઝગમગાટ, રંગોળીની સુંદરતા, મીઠાઈઓની મીઠાશ અને પરિવાર સાથેની ખુશીઓ આ પર્વને ખાસ બનાવે છે. જોકે, દિવાળીની ઉજવણી સમગ્ર દેશમાં એકસરખી રીતે થતી નથી. દરેક રાજ્યની પોતાની પરંપરા, ધાર્મિક માન્યતા અને સાંસ્કૃતિક ઓળખ છે. ક્યાંક ભગવાન શ્રીરામના અયોધ્યા આગમનની ખુશીમાં દીવા પ્રગટાવવામાં આવે છે, તો ક્યાંક દેવી કાલી, ભગવાન કૃષ્ણ, રાજા બલિ અને પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. શીખ સમુદાય માટે આ દિવસ બંદી છોડ દિવસ તરીકે પણ વિશેષ મહત્વ ધરાવે છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દિવાળીની આ વિવિધતા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને દર્શાવે છે.
ઉત્તર ભારતમાં દિવાળીની ઉજવણી ભગવાન શ્રીરામના 14 વર્ષના વનવાસ બાદ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરવાની કથા સાથે જોડાયેલી છે. માન્યતા મુજબ, ભગવાન શ્રીરામના આગમન સમયે કાર્તિક મહિનાની અમાસની રાતે અયોધ્યાના લોકોએ આખા નગરને દીવાઓથી શણગારીને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી આ દિવસ અનિષ્ટ પર શિષ્ટ અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક તરીકે ઉજવાય છે. ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, બિહાર અને આસપાસના રાજ્યોમાં આ પરંપરા આજે પણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જળવાઈ છે.
પંજાબમાં દિવાળીનું શીખ સમુદાય માટે પણ વિશેષ મહત્વ છે. અહીં આ દિવસને 'બંદી છોડ દિવસ' એટલે કે મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ શીખ ધર્મના છઠ્ઠા ગુરુ હરગોવિંદજીની યાદમાં મનાવવામાં આવે છે. માન્યતા મુજબ, તેમણે મુઘલ સમ્રાટ જહાંગીરની કેદમાંથી પોતાની સાથે 52 રાજાઓને મુક્ત કરાવ્યા હતા. આ પ્રસંગની યાદમાં ગુરુદ્વારાઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે. ગુરુદ્વારાઓમાં વિશેષ પ્રાર્થના અને લંગરનું આયોજન થાય છે. આ ઉપરાંત, ગુરુ હરગોવિંદજીના શૌર્ય અને વિજયને યાદ કરવા નગર કીર્તન એટલે કે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.
દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતનાં અન્ય વિસ્તારોમાં દિવાળીના દિવસે ઘરોને દીવા, મીણબત્તીઓ, તોરણો અને રંગોળીઓથી શણગારવામાં આવે છે. રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ દૂધના પાત્રમાં ચાંદીનો સિક્કો મૂકીને તે દૂધ ઘરમાં છાંટવાની પરંપરા પણ જોવા મળે છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં દિવાળીના આશરે 15 દિવસ પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે 'દેવ દિવાળી' ઉજવવામાં આવે છે. આ તહેવારને દેવતાઓની દિવાળી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ ગંગા નદીમાં સ્નાન કરવા પૃથ્વી પર આવે છે. આ પ્રસંગે ગંગા નદીની પૂજા કરવામાં આવે છે અને નદીના ઘાટ પર હજારો દીવા પ્રગટાવવામાં આવે છે. દીવાઓની રોશનીથી ગંગાના ઘાટનું દૃશ્ય અત્યંત મનમોહક બની જાય છે.
પૂર્વ ભારતમાં દિવાળીની ઉજવણીમાં દીવા પ્રગટાવવા, રંગોળી બનાવવા, મીઠાઈઓ વહેંચવા અને દેવી લક્ષ્મીની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કેટલીક જગ્યાએ લોકો પોતાના ઘરના દરવાજા ખુલ્લા અથવા અડધા ખુલ્લા રાખે છે, જેથી દેવી લક્ષ્મીનું ઘરમાં આગમન થાય. એવી માન્યતા છે કે દેવી લક્ષ્મી અંધકારવાળા ઘરમાં પ્રવેશતાં નથી. તેથી દિવાળીની રાત્રે ઘરના દરેક ખૂણામાં પ્રકાશ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
પશ્ચિમ બંગાળમાં દિવાળીની ઉજવણી દરમિયાન દેવી કાલીની પૂજા મુખ્ય આકર્ષણ હોય છે. અહીં દિવાળીની રાત્રે મોડી રાત સુધી કાલી પૂજા કરવામાં આવે છે અને વિવિધ વિસ્તારોમાં ભવ્ય પંડાલો બનાવવામાં આવે છે. દુર્ગા પૂજાના થોડા દિવસો પછી લક્ષ્મી પૂજાનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત, બંગાળમાં દિવાળીની રાત્રે પૂર્વજોને યાદ કરવાની પરંપરા પણ છે. માન્યતા મુજબ, સ્વર્ગમાં ગયેલા પૂર્વજોને માર્ગ દેખાય તે માટે ઊંચા થાંભલાઓ પર દીવા પ્રગટાવવામાં આવે છે. ઓડિશામાં પણ દિવાળીના દિવસે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા જોવા મળે છે. અહીં શણનાં લાકડાં સળગાવીને પૂર્વજોને યાદ કરવામાં આવે છે. આ વિધિથી સૌભાગ્ય અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.
ઉત્તર-પૂર્વ ભારતમાં દિવાળીની ઉજવણીમાં પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પ્રત્યે આદરની ભાવના જોવા મળે છે. સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, ઉત્તર બંગાળ અને નેપાળના કેટલાક વિસ્તારોમાં 'તિહાર' નામનો પાંચ દિવસીય ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓનું મહત્વ દર્શાવવામાં આવે છે. ખાસ કરીને કાગડા, કૂતરા, ગાય અને બળદની પૂજા કરવામાં આવે છે.
તિહારના પ્રથમ દિવસે કાગડાઓને મીઠાઈ અને ભોજન ખવડાવવામાં આવે છે. કેટલીક માન્યતાઓમાં કાગડાને દુઃખ અને અશુભ સમાચારનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તેને ભોજન આપવાથી પરિવારના જીવનમાંથી દુઃખ દૂર થાય છે તેવી શ્રદ્ધા છે. બીજા દિવસે કૂતરાઓની પૂજા કરવામાં આવે છે. તેમને ફૂલોના હાર પહેરાવવામાં આવે છે અને સ્વાદિષ્ટ વાનગીઓ ખવડાવવામાં આવે છે. કૂતરાને માણસનો વફાદાર સાથી માનવામાં આવે છે અને ધાર્મિક કથાઓમાં પણ તેનું વિશેષ સ્થાન છે. ત્રીજા દિવસે ગાય, ભેંસ અને બળદની પૂજા કરવામાં આવે છે. તેમને ફૂલોના હાર પહેરાવી, તિલક કરવામાં આવે છે અને ભોજન અર્પણ કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે.
તિહાર ઉત્સવ દરમિયાન ઘરોને માટીના દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. આ પ્રસંગે 'દેઉસી' અને 'ભૈલો' નામનાં પરંપરાગત લોકગીતો ગાવાની પણ પ્રથા છે. આ ગીતોમાં ભગવાન શ્રીરામના જીવન અને સંઘર્ષ તથા ભગવાન હનુમાનની મહિમાનું વર્ણન કરવામાં આવે છે. ઉત્સવના અંતિમ બે દિવસ ગોવર્ધન પૂજા અને ભાઈ ટીકા માટે સમર્પિત હોય છે. ભાઈ ટીકાની પરંપરા ભાઈ-બહેનના પ્રેમ અને સંબંધને ઉજાગર કરે છે.
દક્ષિણ ભારતમાં દિવાળીની ઉજવણીની રીત ઉત્તર ભારત કરતાં અલગ છે. અહીં તમિલ મહિના 'ઐપસી' દરમિયાન દિવાળી ઉજવવામાં આવે છે. આ ઉત્સવનો મુખ્ય દિવસ નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. દિવાળીના એક દિવસ પહેલાં ઘરના ચૂલા અને પાણી ગરમ કરવાનાં પાત્રોની સફાઈ કરવામાં આવે છે. તેલ સ્નાન માટે ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રને પણ ધાર્મિક ચિહ્નોથી શણગારવામાં આવે છે. દિવાળીના દિવસે વહેલી સવારે તેલ સ્નાન કરીને ઉત્સવની શરૂઆત થાય છે. ત્યારબાદ લોકો નવા કપડાં પહેરે છે, મીઠાઈઓ વહેંચે છે અને પરિવાર સાથે આનંદ મનાવે છે. ઘરના આંગણામાં 'કોલમ' નામની સુંદર ડિઝાઇન બનાવવામાં આવે છે, જે ઉત્તર ભારતની રંગોળી જેવી જ હોય છે.
કર્ણાટકમાં દિવાળી દરમિયાન 'અશ્વિજ કૃષ્ણ ચતુર્દશી' અને 'બલિ પદ્યમી'નું વિશેષ મહત્વ છે. અશ્વિજ કૃષ્ણ ચતુર્દશીના દિવસે લોકો તેલ સ્નાન કરે છે, જ્યારે બલિ પદ્યમીના દિવસે રાજા બલિની કથાઓ યાદ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ છાણમાંથી નાના કિલ્લા બનાવવાની પરંપરા પણ છે. તમિલનાડુમાં પણ તેલ સ્નાનની પરંપરા જોવા મળે છે. અહીં નાગરવેલનાં પાન, સુગંધિત મસાલા અને અન્ય સામગ્રી મિશ્રિત તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં દિવાળી દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણનાં પત્ની સત્યભામાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, સત્યભામાએ ભગવાન શ્રીકૃષ્ણની મદદથી નરકાસુરનો વધ કર્યો હતો. આ પ્રસંગની યાદમાં તેમની માટીની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવે છે અને ભક્તો આશીર્વાદ મેળવે છે.
પશ્ચિમ ભારતમાં દિવાળીની ઉજવણીમાં ધાર્મિક પરંપરાઓની સાથે વેપાર અને નવા વર્ષની શરૂઆતનું પણ વિશેષ મહત્વ છે. દિવાળીના દિવસો પહેલાંથી જ બજારોમાં ખરીદીનો માહોલ જામે છે. લોકો ઘર સજાવટની વસ્તુઓ, દીવા, ફટાકડા, કપડાં, ઘરેણાં અને મીઠાઈઓની ખરીદી કરે છે. ગુજરાતમાં દિવાળીની આગલી સાંજે ઘરના આંગણામાં રંગબેરંગી રંગોળી બનાવવામાં આવે છે. દેવી લક્ષ્મીના સ્વાગત માટે ઘરના પ્રવેશદ્વાર પર તેમનાં પગલાંનાં ચિહ્નો પણ બનાવવામાં આવે છે.
ગુજરાતમાં દિવાળી બાદના દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાની પરંપરા છે. ઘણા પરિવારોમાં દિવાળીની રાત્રે ઘીનો દીવો આખી રાત પ્રગટાવી રાખવામાં આવે છે. બીજા દિવસે સવારે દીવાની જ્યોતમાંથી એકત્ર થયેલા કાજળને આંખોમાં આંજવાની પરંપરા પણ કેટલીક જગ્યાએ જોવા મળે છે. તેને શુભ માનવામાં આવે છે અને તેનાથી આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહે તેવી માન્યતા છે. ગુજરાતમાં વેપાર-વાણિજ્યનું વિશેષ મહત્વ હોવાથી દિવાળીને નવા વ્યવસાયની શરૂઆત, દુકાન કે ઓફિસના ઉદ્ઘાટન, મિલકતની ખરીદી અને અન્ય શુભ કાર્યો માટે અનુકૂળ સમય માનવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં દિવાળી ચાર દિવસ સુધી વિવિધ પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. પ્રથમ દિવસે 'વસુબારસ'ની ઉજવણી થાય છે, જેમાં ગાય અને વાછરડાની આરતી ઉતારવામાં આવે છે. આ પરંપરા માતા અને સંતાન વચ્ચેના સ્નેહનું પ્રતીક છે. બીજા દિવસે ધનતેરસ અથવા ધનત્રયોદશી ઉજવવામાં આવે છે. ત્રીજા દિવસે નરક ચતુર્દશીના પ્રસંગે લોકો વહેલી સવારે સુગંધિત તેલથી સ્નાન કરે છે અને મંદિરોમાં દર્શન માટે જાય છે. આ દિવસોમાં મહારાષ્ટ્રમાં ખાસ મીઠાઈઓ અને નાસ્તા બનાવવામાં આવે છે. કરંજી, લાડુ, ચકલી અને સેવ જેવી વાનગીઓથી તૈયાર થતી વાનગીઓના સમૂહને 'ફરાળ' કહેવામાં આવે છે. ચોથા દિવસે દિવાળીના મુખ્ય પ્રસંગે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે રોકડ રકમ, ઘરેણાં અને ધન-સંપત્તિ સાથે જોડાયેલી વસ્તુઓની પણ પૂજા કરવામાં આવે છે.
આમ, ભારતમાં દિવાળી માત્ર દીવા પ્રગટાવવાનો કે ફટાકડા ફોડવાનો તહેવાર નથી. દરેક રાજ્યમાં તેની ઉજવણી પાછળ અલગ ધાર્મિક કથા, પરંપરા અને સાંસ્કૃતિક ભાવના જોડાયેલી છે. ક્યાંક ભગવાન શ્રીરામના આગમનની ખુશી છે, તો ક્યાંક ગુરુ હરગોવિંદજીની મુક્તિની યાદ છે. ક્યાંક દેવી કાલીની પૂજા થાય છે, તો ક્યાંક પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. આ વિવિધ પરંપરાઓ વચ્ચે એક વાત સમાન છે-અંધકાર પર પ્રકાશનો, નિરાશા પર આશાનો અને અનિષ્ટ પર સારા તત્ત્વોના વિજયનો સંદેશ. એ જ દિવાળીને ભારતના સૌથી લોકપ્રિય અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ તહેવારોમાંનું એક બનાવે છે.