બોલિવૂડના સ્ટાર દંપતી કેટરિના કૈફ અને વિકી કૌશલે એક ખાસ સરપ્રાઈઝ આપીને તેમના ચાહકો માટે આ દિવાળીને વધુ શાનદાર બનાવી દીધી છે. દિવાળીના અવસરે અને બરાબર એક વર્ષ પછી આ દંપતીએ આખરે તેમના પુત્ર 'વિહાન'નો ચહેરો દુનિયા સમક્ષ જાહેર કર્યો છે. તેમણે એક સુંદર પારિવારિક તસવીર શેર કરી જેમાં વિહાનની પહેલી ઝલક જોવા મળી. તેની માસૂમિયત અને સુંદરતા જોઈને ચાહકો તરત જ તેના પર મોહી પડ્યા અને તેના વખાણ કરતા થાકતા નથી.
વિકી અને કેટરિનાએ પુત્ર વિહાનનો ચહેરો જાહેર કર્યો
કેટરિના કૈફ અને વિકી કૌશલે સપ્ટેમ્બરમાં ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી અને ૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેમણે પુત્રના જન્મના સમાચાર આપ્યા હતા. બે મહિના પછી ૭ જાન્યુઆરીએ દંપતીએ તેના નામ 'વિહાન'નો ખુલાસો કર્યો હતો. હવે જ્યારે વિહાન એક વર્ષનો થયો છે ત્યારે કેટરિના અને વિકીએ દિવાળીના દિવસે એક હૃદયસ્પર્શી પારિવારિક તસવીર શેર કરી છે જેમાં તેમણે પહેલીવાર તેનો ચહેરો દુનિયાને બતાવ્યો છે. તસવીર પોસ્ટ થતાની સાથે જ તેના પર કોમેન્ટ્સનો વરસાદ શરૂ થઈ ગયો.
સફેદ કુર્તા અને પીળી જેકેટમાં વિહાનની મનમોહક ઝલક
આ પારિવારિક તસવીરમાં કેટરિના પીળા રંગના સૂટમાં જોવા મળે છે, જ્યારે વિકી કૌશલ સફેદ કુર્તા-પાયજામામાં સજ્જ છે. નાનકડા વિહાને પણ સફેદ કુર્તા-પાયજામા અને તેની ઉપર પીળી જેકેટ પહેરી છે. તસવીરમાં તે ખૂબ જ ખુશ અને આનંદિત દેખાય છે, અને તેની આ અદાએ સૌના દિલ જીતી લીધા છે. આ પોસ્ટ પછી, અનન્યા પાંડે, શીતલ ઠાકુર, શિબાની દાંડેકર, મલાઈકા અરોરા અને ચિત્રાંગદા સિંહ સહિતની ઘણી હસ્તીઓએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. કેટરિના અને વિકીના ચાહકોએ આ તસવીર પર પ્રેમ વરસાવ્યો છે. કેટરિનાના કેટલાક ચાહકોનું કહેવું છે કે વિહાન બિલકુલ તેની માતા જેવો દેખાય છે, જ્યારે અન્ય લોકો તેના ચહેરાના લક્ષણોની સરખામણી વિકી સાથે કરી રહ્યા છે.
ઈન્ટરનેટ પર છવાઈ ગઈ વિહાનની માસૂમિયત
જેવી કેટરિના અને વિકીએ તેમના પુત્ર વિહાનનો ચહેરો જાહેર કર્યો, કે તરત જ આ તસવીર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીર જોઈને પોતાની પ્રતિક્રિયા આપ્યા વિના રહી શક્યા નહીં. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેટરીના વિકી કૌશલ સાથે અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં સામેલ થઈ હતી. આ કાર્યક્રમ બાદ, કેટરીના તેના વજનને લઈને સોશિયલ મીડિયા પર થતી ટિપ્પણીઓનું નિશાન બની હતી. આ ટ્રોલિંગનો ઉલ્લેખ કરતા, કેટરીનાએ પોતાની બ્યુટી બ્રાન્ડના એક કાર્યક્રમ દરમિયાન આ અંગે વાત કરી અને ટીકા કરનારાઓને પરોક્ષ રીતે જવાબ આપ્યો. તેણે કહ્યું, "મને લાગે છે કે આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઈન ટ્રોલિંગને કારણે આપણા સિદ્ધાંતો કે આપણી આત્મ-મૂલ્યની ભાવનાને નુકસાન ન પહોંચે. જો તમે સતત અન્ય લોકોની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરતા રહેશો, તો તમે અંતે તમારી પોતાની ઓળખ ગુમાવી બેસશો."