દિવાળીના અવસરે આજે શેરબજારમાં 'મુહૂર્ત ટ્રેડિંગ' યોજાઈ રહ્યું છે. સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧,૨૦૦ ના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી ૪૦ પોઈન્ટ વધીને ૨૫,૦૫૦ ના સ્તરે પહોંચી છે. રવિવાર હોવા છતાં આ વિશેષ ટ્રેડિંગ સત્ર એક કલાક માટે ચાલ્યુ હતુ.
આજના સત્રમાં મેટલ અને ફાર્મા શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૮ શેરોમાં તેજી છે, જ્યારે ૧૨ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા અને ટાટા સ્ટીલ સૌથી વધુ વધનારા શેરોમાં સામેલ છે, જ્યારે ઈન્ડિગો અને ઈન્ફોસિસના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.
સળંગ બીજા વર્ષે બપોરના સમયે 'મુહૂર્ત ટ્રેડિંગ' યોજાયું
પરંપરાગત રીતે 'મુહૂર્ત ટ્રેડિંગ' દિવાળીની સાંજે લક્ષ્મી પૂજનના સમયે યોજાતું હતું. જોકે વેપારીઓ અને રોકાણકારોની વિનંતીને પગલે ગયા વર્ષથી આ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ સત્ર બપોરે ૧:૪૫ થી ૨:૪૫ દરમિયાન યોજાયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં 'મુહૂર્ત ટ્રેડિંગ' દરમિયાન બજારનો ટ્રેન્ડ સતત સકારાત્મક રહ્યો છે.
કોકા-કોલા ઈન્ડિયાની બોટલિંગ શાખા IPO લાવશે
હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ લિમિટેડ (HCCH) એ માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે 'ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ' (DRHP) દાખલ કર્યું છે. આ કંપની 'હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ' (HCCB) ની મૂળ કંપની (પેરેન્ટ કંપની) છે, જે કોકા-કોલાનું ભારતીય બોટલિંગ યુનિટ છે.
મૂળ કંપની 'ઓફર ફોર સેલ' (OFS) દ્વારા શેર વેચશે
કંપની આ IPO દ્વારા ૨૦૨૭ સુધીમાં BSE અને NSE પર તેના શેર લિસ્ટ કરવાની યોજના ધરાવે છે. આ ઓફર સંપૂર્ણપણે 'ઓફર ફોર સેલ' (OFS) સ્વરૂપે હશે. આ અંતર્ગત હિન્દુસ્તાન કોકા-કોલા ઓવરસીઝ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ આશરે ૧૦૦ કરોડ (૯૯૭,૪૬૧,૪૫૬) ઇક્વિટી શેરનું વેચાણ કરશે, જેમાં દરેક શેરનું મૂળ્ય (ફેસ વેલ્યુ) ₹૧૦ હશે.