ચોપડાની કિંમતમાં 25 ટકાનો ભાવવધારો છતાં વડોદરાના વેપારીઓમાં ચોપડા પૂજનની પરંપરા જાળવી રાખવાનો ઉત્સાહ યથાવત્ છે. મોંઘવારીની અસર છતાં આ વર્ષે શહેરમાં અંદાજે રૂ. 5 કરોડથી વધુ કિંમતના ચોપડાનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. દિવાળીના શુભ અવસરે આજે વડોદરાના 20 હજારથી વધુ વેપારીઓ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરશે. આ ઉપરાંત 50 હજારથી વધુ વેપારીઓ લક્ષ્મી પૂજન કરશે, જ્યારે મોટી સંખ્યામાં વેપારીઓ શારદા પૂજન કરીને ધંધા-રોજગારમાં સમૃદ્ધિની પ્રાર્થના કરશે.
આજના આધુનિક કમ્પ્યુટર અને ટેક્નોલોજીના યુગમાં વેપારના હિસાબો રાખવાની પદ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો છે. મોટા ભાગના વ્યવહારો હવે ડિજિટલ માધ્યમથી થાય છે અને હિસાબો પણ કમ્પ્યુટરમાં જાળવવામાં આવે છે. તેમ છતાં વડોદરાના વેપારીઓનો એક મોટો વર્ગ એવો છે, જે વર્ષો જૂની ચોપડા પૂજનની પરંપરાને આજે પણ શ્રદ્ધાપૂર્વક નિભાવી રહ્યો છે. વ્યાપાર વિકાસ એસોસિએશન સાથે નાના-મોટા મળીને 79 એસોસિએશનના આશરે 35 હજાર વેપારીઓ જોડાયેલા છે. આ ઉપરાંત એસોસિએશન સાથે ન જોડાયેલા વેપારીઓની સંખ્યા પણ 30થી 35 હજાર જેટલી છે. જોકે, સમયની સાથે ચોપડા પૂજન કરનારા વેપારીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ પરંપરા જાળવી રાખનારા વેપારીઓની સંખ્યા આજે પણ નોંધપાત્ર છે.
સ્ટેશનરીના વેપારી અતુલભાઈ ચોક્સીના જણાવ્યા મુજબ, વડોદરા શહેરમાં ચોપડાની ખરીદી માટે પાંચ મોટી અને આશરે 45 નાની સ્ટેશનરીની દુકાનો આવેલી છે. આ વર્ષે મોંઘવારીને કારણે ચોપડાની કિંમતોમાં સરેરાશ 20થી 25 ટકાનો વધારો થયો છે. તેમ છતાં વેપારીઓની ખરીદી પર તેની ખાસ અસર જોવા મળી નથી. શહેરની સ્ટેશનરીની દુકાનોમાંથી આ વર્ષે અંદાજે રૂ. 5 કરોડથી વધુ કિંમતના ચોપડાનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. ભાવવધારો હોવા છતાં વેપારીઓએ પરંપરા મુજબ નવા હિસાબી ચોપડા ખરીદવામાં ઉત્સાહ બતાવ્યો છે.
સામાન્ય રીતે વેપારીઓ દશેરાથી દિવાળી વચ્ચે ચોપડા પૂજન માટે નવા ચોપડાની ખરીદી કરે છે. ત્યારબાદ ધનતેરસ અથવા દિવાળીના શુભ મુહૂર્તમાં તેમની પૂજા કરવામાં આવે છે. કેટલાક વેપારીઓ બદલાતા સમય અને પરિવાર સાથે તહેવારની રજાઓ માણવાની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને ધનતેરસના દિવસે જ ચોપડા પૂજન કરી લેવાનું પસંદ કરે છે. બીજી તરફ, મોટા ઉદ્યોગોમાં હવે પરંપરાગત ચોપડા પૂજનનું ચલણ ઘટતું જોવા મળી રહ્યું છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોની મોટી ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગના ઉદ્યોગપતિઓ હવે દિવાળીના દિવસે પોતાના નિવાસસ્થાને કમ્પ્યુટર અને લક્ષ્મીજીનું પૂજન કરીને નવા વર્ષનું સ્વાગત કરે છે.
ચોપડા પૂજનની પરંપરા વેપારીઓમાં પેઢી દર પેઢી ચાલી આવે છે. આ વિધિ માટે વેપારીઓ દશેરાથી જ લાલ રંગના નવા ચોપડા ખરીદીને રાખે છે. દિવાળીના દિવસે સાંજના શુભ મુહૂર્તમાં પાટલા પર લાલ વસ્ત્ર પાથરીને તેના પર નવા ચોપડા મૂકવામાં આવે છે. ત્યારબાદ ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનું આવાહન કરીને કુમકુમ, હળદર, ચોખા, અક્ષત અને ફૂલથી પૂજા કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ ચોપડાના પ્રથમ પાના પર કુમકુમથી સ્વસ્તિક બનાવવામાં આવે છે. તેની ડાબી બાજુ 'શ્રી' અને જમણી બાજુ 'શુભ-લાભ' લખવામાં આવે છે. ત્યારબાદ 'શ્રી ગણેશાય નમઃ' અને 'ઓમ મહાલક્ષ્મૈ નમઃ' લખીને 'શ્રી 1' સાથે નવા હિસાબની શરૂઆત કરવામાં આવે છે. વેપારીઓ આ વિધિને નવા વર્ષમાં ધંધા-રોજગારમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના પ્રતીક તરીકે માને છે.
ચોપડા પૂજન માટે બજારમાં અલગ-અલગ પ્રકારની હિસાબી નોટબુક ઉપલબ્ધ હોય છે. તેમાં રોજમેળની કિંમત રૂ. 425થી રૂ. 1,365 સુધી છે. કલેકશન ચોપડા રૂ. 220થી રૂ. 785, બેંક પાસબુક રૂ. 150થી રૂ. 675, ખાતાવહી રૂ. 180થી રૂ. 1,700 અને સ્ટોક રજિસ્ટરની કિંમત પણ રૂ. 180થી રૂ. 1,700 સુધી છે. કેશબુક ચોપડો રૂ. 165થી રૂ. 888 અને લક્ષ્મી નોટબુક રૂ. 120થી રૂ. 220માં ઉપલબ્ધ છે. ચોપડાના કદ, કાગળની ગુણવત્તા અને પ્રકાર પ્રમાણે તેની કિંમતમાં ફેરફાર જોવા મળે છે.
ડિજિટલ યુગમાં પણ ચોપડા પૂજન દરમિયાન કલમ, લાલ શાહી અને ખડિયાની પરંપરાનું વિશેષ મહત્વ જળવાઈ રહ્યું છે. વેપારીઓ ચોપડા ખરીદવાની સાથે લાલ પેન પણ ખરીદે છે, કારણ કે પૂજા બાદ ચોપડામાં શુભ લખાણ કરવા માટે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેટલાક પરંપરાપ્રિય વેપારીઓ આજે પણ સામાન્ય પેનના બદલે ખાસ કલમ એટલે કે કિત્તો અને લાલ શાહીનો ઉપયોગ કરે છે. આ કલમથી ચોપડાના પ્રથમ પાના પર 'શ્રી ગણેશાય નમઃ' અને સાથિયો લખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, કલમ અને ખડિયાની શાહીથી કરવામાં આવતું આ લખાણ વેપારમાં સ્થિરતા, પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ જ કારણથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધવા છતાં વેપારીઓ આ પરંપરાને જાળવી રાખવા ઉત્સુક છે. ચોપડા પૂજન માત્ર હિસાબી ચોપડાની પૂજા પૂરતું સીમિત નથી, પરંતુ વેપારીઓ માટે નવા વર્ષના વેપારની શુભ શરૂઆત અને વર્ષો જૂની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાનો અવસર પણ છે.