કુદરતી આપત્તિઓનો સામનો કરતા રહેતા જાપાનમાં રવિવારે વહેલી સવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપથી અનેક વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. અચાનક આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઊંઘમાંથી જાગી ગયા હતા અને જીવ બચાવવા માટે ઘરો તથા ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ દરમિયાન થયેલી ભાગદોડમાં 22થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના કારણે દુકાનો અને કેટલીક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ સાવચેતીનાં પગલાં લીધાં છે અને રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિક સમય અનુસાર રવિવારે વહેલી સવારે 1:04 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ જાપાનના શિઝુઓકા પ્રાંતમાં જમીનથી આશરે 40 કિલોમીટર નીચે નોંધાયું હતું. ભૂકંપની અસર શિઝુઓકા ઉપરાંત પડોશી આઈચી પ્રાંતમાં પણ જોવા મળી હતી. રાત્રિના સમયે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અનેક લોકો પરિવારના સભ્યો સાથે ઘરની બહાર ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા હતા.

ભૂકંપના કારણે કેટલીક દુકાનો અને જાહેર સ્થળો પર નુકસાન જોવા મળ્યું હતું. દુકાનોના કાચ તૂટી જતાં રસ્તાઓ પર કાચના ટુકડા ફેલાઈ ગયા હતા. અનેક સ્થળોએ સામાન જમીન પર વેરવિખેર થઈ ગયો હતો. એક બુકસ્ટોરમાં ભૂકંપના આંચકાને કારણે પુસ્તકો રાખવાની અલમારીઓમાંથી પુસ્તકો નીચે પડી ગયાં હતાં અને દુકાનમાં પુસ્તકોના ઢગલા થઈ ગયા હતા. અચાનક આવેલા આંચકાથી ઇમારતોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ભૂકંપ બાદ થયેલી ભાગદોડમાં 22થી વધુ લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકો ઇમારતોમાંથી બહાર નીકળતી વખતે તો કેટલાક સીડીઓ પરથી ઉતરતી વખતે પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ભૂકંપના કારણે થયેલા નુકસાન અને ઘાયલોની સ્થિતિ અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે. સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ ભૂકંપની અસર માત્ર શિઝુઓકા અને આઈચી પૂરતી મર્યાદિત રહી નહોતી. જાપાનના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ધરતીના આંચકા અનુભવાયા હતા. હમામાત્સુ શહેર ઉપરાંત પ્રાચીન રાજધાની ક્યોટો, નારા, યામાનાશી અને ગિફૂ પ્રાંત સુધી તેની અસર પહોંચી હતી. માઉન્ટ ફૂજી આવેલા યામાનાશી વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ચિંતા વધી હતી. અલગ-અલગ વિસ્તારોમાં ઇમારતો અને જાહેર પરિવહન વ્યવસ્થાની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
ભૂકંપ બાદ સૌથી વધુ સાવચેતી રેલવે વ્યવસ્થાને લઈને રાખવામાં આવી હતી. સંભવિત નુકસાન અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં શિંકાનસેન એટલે કે જાપાનની બુલેટ ટ્રેનોની ગતિ ધીમી કરવામાં આવી હતી. ભૂકંપના કારણે રેલવે ટ્રેકને નુકસાન થયું હોય તો ઝડપી ગતિએ દોડતી ટ્રેનો માટે જોખમ ઊભું થઈ શકે છે. તેથી રેલવે તંત્રએ સાવચેતીના ભાગરૂપે ટ્રેનોની ગતિ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. ટ્રેક અને અન્ય માળખાંની સુરક્ષાની તપાસને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી.

જાપાનમાં ભૂકંપની ઘટનાઓ સામાન્ય રીતે જોવા મળતી હોય છે, કારણ કે આ દેશ પેસિફિક રિંગ ઓફ ફાયરના વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારમાં અનેક ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાતી અને ખસતી રહે છે. તેના કારણે જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે. આ જ કારણ છે કે અહીંની ઇમારતોનું બાંધકામ ભૂકંપના આંચકા સહન કરી શકે તે રીતે કરવામાં આવે છે. નાગરિકોને પણ ભૂકંપ સમયે કેવી રીતે સુરક્ષિત રહેવું તેની તાલીમ આપવામાં આવે છે. તેમ છતાં મધરાતે અચાનક આવતા શક્તિશાળી આંચકાઓથી લોકોમાં ગભરાટ ફેલાય છે.
નોંધનીય છે કે રવિવારના આ ભૂકંપના એક દિવસ પહેલાં એટલે કે શનિવારે પણ જાપાનમાં 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. સ્થાનિક સમય અનુસાર સાંજે આશરે 7:39 વાગ્યે હાસાકી વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. સતત બે દિવસમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપને કારણે જાપાનના નાગરિકોમાં ચિંતા વધી છે. એક તરફ શનિવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તો બીજી તરફ રવિવારે વહેલી સવારે 5.7ની તીવ્રતાના આંચકાએ અનેક વિસ્તારોને હચમચાવી દીધા હતા.

સતત ભૂકંપના આંચકાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમારતો, રસ્તાઓ અને રેલવે માળખાંની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને પણ સાવચેતી રાખવા અને આફત સમયે સુરક્ષિત સ્થળે પહોંચવા માટે સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ સૌથી મોટી ચિંતા ઘાયલોની સારવાર અને ભૂકંપથી થયેલા નુકસાનની તપાસને લઈને છે.